Gujarat

શામળાજીનો વનપાલ રૂ.300ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયો

By GS Team
10 Dec 20212 mins read
This article was originally published on 10 Dec 2021
શામળાજીનો વનપાલ રૂ.300ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયો

મોડાસા,તા. 9

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ફોરેસ્ટ વિભાગની ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા વનપાલે લાકડા ભરેલ વાહન પસાર કરવા દેવા પેટે રૂ.૩૦૦ની લાંચ માંગતા આ વાહનમાં જ સવાર એસીબી ટીમે આ આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો.જોકે એસીબીની ટ્રેપની ગંધ આવી જતાં લાંચ પેટે મેળવેલ નોટ ફાડી નાખી ફેકી ભાગવા જતાં આ આરોપીને એસીબી ટીમે દબોચી લીધો હતો.

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતેની પરિક્ષેત્ર વન અધિકારીની કચેરીના તાબા હેઠળની ચેક પોસ્ટે ફરજ બજાવતો વનપાલ લાકડા ભરેલા વાહન પસાર કરવા પેટે લાંચ માંગતો હોવાની આધારભૂત માહિતી ખાનગી રાહે અરવલ્લી એન્ટી કરપ્શન બ્યુરોના ઈન્સ્પેકટર સી.ડી.વણઝારાને મળી હતી.

આ માહિતીના આધારે ગત બુધવારના રોજ રાજસ્થાન તરફથી લાકડા ભરી આવતા એક ટ્રક ચાલકનો સહયોગ મેળવી ટ્રેપ ગોઠવાઈ હતી. આ લાકડા ભરેલ વાહન જેવું ચેકપોસ્ટે આવી પહોંચ્યું કે તુરંત ફરજ પરના વનપાલ રાકેશ ડામોરે જરૂરી સ્ટેમ્પીંગ કરી ચાલક પાસે રૂ.૩૦૦ ની લાંચ માંગી હતી. ચાલકે જેવી નોટ આ આરોપીને હાથમાં આપી કે તુરંત એસીબી ની ટ્રેપની ગંધ આવી ગઈ હોવાથી  આરોપી હાથ છોડાવી ભાગ્યો હતો.અને લાંચ પેટે મેળવેલી રૂ.૩૦૦ની રકમની નોટો ફાડી નાખી ફેંકી દીધી હતી. પરંતુ અરવલ્લી એસીબી ટીમે આ આરોપીને દબોચી લઈ હવાલાત ભેગો કરી દીધો હતો.આમ રૂ.૩૦૦ ની લાંચ લેતાં શામળાજી વન વિભાગ કચેરીના વનપાલ રાકેશભાઈ લક્ષ્મણભાઈ ડામોરને રંગે હાથ ઝડપી અરવલ્લી એસીબીના ઈન્સ્પેકટરે આરોપી વિરૂધ્ધ લાંચ-રૂશ્વત વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.