Gujarat

લીફ્ટના બહાને ચપ્પુની અણીએ બાનમાં લઈ એસવીએનઆઇટીના ડ્રાઇવરને લૂંટી લેવાયો

By GS Team
3 Feb 20222 mins read
This article was originally published on 3 Feb 2022
લીફ્ટના બહાને ચપ્પુની અણીએ બાનમાં લઈ એસવીએનઆઇટીના ડ્રાઇવરને લૂંટી લેવાયો

- ઉમરા-પાલ બ્રિજ પરથી અડાજણ ખાતે ઘરે જઇ રહ્યો હતોઃ બાઇક પર લીફટ આપતા ચપ્પુની અણીએ બ્રિજની નીચે લઇ જઇ રૂ. 52,500 ની મત્તા લૂંટી લીધી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર

ઉમરા-પાલ બ્રિજ નજીક બાઇક સવાર એસવીએનઆઇટી કોલેજના ડ્રાઇવર પાસે લીફ્ટ માંગી ચપ્પુની અણીએ બાનમાં લઇ બાઇકને બ્રિજ નીચે લઇ મન્કી કેપધારી ત્રણ લૂંટારૂએ મોબાઇલ, રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી રૂ. 52,500 ની મત્તા લૂંટી ભાગી જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

ઇચ્છાનાથ સ્થિત એસવીએનઆઇટી કોલેજનો ડ્રાઇવર વિવેક કરશન નાઇ (ઉ.વ. 25 રહે. 19, ગૌરીપાર્ક રો હાઉસ, ભુમિ કોમ્પ્લેક્ષની બાજુમાં, હનીપાર્ક, અડાજણ) ગત સાંજે બાઇક ઉપર ઉમરા ગામ-પાલ બ્રિજ પરથી ઘરે જઇ રહ્યો હતો. ત્યારે બ્રિજ નજીક મોંઢા પર મન્કી કેપ પહેરેલા યુવાને લીફ્ટ માંગી ચપ્પુની અણીએ બાનમાં લઇ બાઇક બ્રિજની નીચે હંકારવાનું કહ્યું હતું. બ્રિજ નીચે અગાઉથી ત્યાં ઉભેલા મન્કી કેપધારી અન્ય બે લૂંટારૂઓએ બાઇકની ચાવી કાઢી લઇ તારી પાસે જે હોય તે આપી દે નહીં તો ચપ્પુ મારી દઇશ તેવી ધમકી આપી મોબાઇલ ફોન અને રોકડા રૂ. 500, આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, ડેબિટ કાર્ડ, 8 ગ્રામ વજનની સોનાની વીંટી રૂ. 30 હજાર અને ચાંદીનું બ્રેસલેટ રૂ. 7 હજાર મળી કુલ રૂ. 52,500 ની મત્તા લૂંટી લીધા બાદ બાઇકની ચાવી લઇ ભાગી ગયા હતા. આ અરસામાં જ ત્યાંથી પસાર થઇ રહેલા એસવીએનઆઇટીના સિક્યુરીટી ગાર્ડની મદદથી વિવેકે પોલીસ અને પરિવારને જાણ કરી હતી.