Gujarat

ગવાડુંગરાના ફરાર પ્રેમીઓ પૈકી યુવતીની લાશ સાથે શિશુ મળ્યુ

By GS Team
15 Jan 20192 mins read
This article was originally published on 15 Jan 2019
ગવાડુંગરાના ફરાર પ્રેમીઓ પૈકી યુવતીની લાશ સાથે શિશુ મળ્યુ

સુખસર તા.15 જાન્યુઆરી,2019,મંગળવાર

ફતેપુરા તાલુકાના ગવાડુંગરાથી એક જ  પરિવારના ભાગી ગયેલા પ્રેમી પંખીડા પૈકી યુવતીની લાશ મળી આવી છે.મૃતક યુવતીની લાશ પાસેથી નવજાત શિશુ મળી આવતાં બાળકને સારવાર માટે સુખસર સી એચ સી માં ખસેડાયુ છે. 

પરિવારની છોકરીને ભગાડી જનાર યુવાન પરણીત અને ત્રણ સંતાનોનો પિતા હતો. યુવાનનો પત્તો નથી જ્યારે તેના પરિવારના સભ્યો  ઘરબાર છોડી ભાગી છુટયા છે. મૃતક યુવતીની લાશ લેવા પિતાએ ઇનકાર કરી દીધો છે.

ફતેપુરા તાલુકાના ગવાડુંગરાથી એક વર્ષ અગાઉ ત્રણ સંતાનોનો પિતા પરિવારની છોકરીને ભગાડી ગયો હતો. ત્યારબાદ તેમની શોધખોળ કરતાં તેઓ મળી આવ્યા ન હતા.એક વર્ષ બાદ નવજાત શિશુ સાથે યુવતીની લાશ નવાડુંગરામાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

નવજાત બાળકને સારવાર માટે સુખસર સી એચ સીમાં ખસેડવામાં આવ્યુ છે. મૃતક યુવતીને પોસ્ટમોર્ટમ માટે લાશ દવાખાનામાં લાવવામાં આવી છે. મૃતક યુવતીની લાશ સ્વિકરવા તેના પિતા સંમત નહીં હોવાનું જાણવા મળે છે.

ફતેપુરા તાલુકાના ગવાડુંગરા મોર પીપળા ફળિયા ખાતે રહેતા દિલીપ રામસીંગ ભાઇ માલ પરણીત હોવા સાથે  બે પુત્રો અને એક પુત્રી હોવા છતાં પરિવારની નિરાલી બેન (ઉ. ૨૧)ને એક વર્ષ અહાઉ ભગાડી ગયો હતો. ત્યારબાદ સામાજિક રીતે આ સંબંધ યોગ્ય નહીં હોવાથી દિલીપ  તથા નીરાલીની  શોધખોળ કરવા છતાં તેઓ મળી આવ્યા ન હતા.

જ્યારે આજે સવારના ગવાડુંગરા ઘાટી ઉપર  કોઇ યુવતીની લાશ  પડી હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં લાશ જોવા ગામ લોકો પહોચ્યા હતા જ્યા મૃત યુવતીના મોઢા ઉપરથી કપડા હટાવી જોતા આ મૃતક  યુવતી નવા ડુંગરાના નાલ શંકર ભાઇ ખેતાભાઇની પુત્રી નિરાલી  હોવાની ઓળખ  છતી થતાં સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

પંચક્યાસ બાદ લાશને સુખસર સરકારી પોલીસે સ્ટેશનમા લાવવામાં આવી છે.  જ્યારે લાશની બાજુમાં નવજાત બાળક હોવાનું  જણાતાં ૧૦૮ એમ્બુલન્સ દ્વારા સુખસરના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યુ છે.  હાલ  ભગાડી જનાર યુવાનનો પત્તો નથી 

 જ્યારે  તેના સભ્યો ઘરબાર છોડી  ભાગી છુટયા હોવાનું જાણવા મળે છે. યુવતીની લાશ સુખસર સરકારી દવાખાનામાં છે પરંતુ લાશનો કબજો સ્વીકારવા  છોકરીના પિતા સંમત નહીં હોવાનું જાણવા મળે છે. મોતનું કારણ પી એમ બાદ જ જાણવા મળે જ્યારે શિશુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યુ છે.