Gujarat

પ્રદેશ પ્રમુખે અમને નોટિસ કેમ આપી કહી કોંગ્રેસના કોર્પોરેટરોનો દબાણ લાવવા પ્રયાસ

By GS Team
3 Feb 20222 mins read
This article was originally published on 3 Feb 2022
પ્રદેશ પ્રમુખે અમને નોટિસ કેમ આપી કહી કોંગ્રેસના કોર્પોરેટરોનો દબાણ લાવવા પ્રયાસ

  અમદાવાદ,ગુરુવાર,3 ફેબ્રુ,2022

અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસમાં નેતાગીરીને લઈ વધુ એક વખત વિવાદ વકર્યો છે.ગુરૃવારે કોંગ્રેસ દ્વારા રોડ મામલે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મોટાભાગના કોંગ્રેસના કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા.ગેરહાજર રહેલા જુથના કોર્પોરેટરોએ પ્રદેશ પ્રમુખે અમને નોટિસ આપી હતી એ કારણ આગળ ધરી ગેરહાજર રહ્યા હતા.કથિત કાળા જાદુ વિવાદ મામલે દાણીલીમડાના મહિલા કોર્પોરેટર સામે પ્રદેશ નેતાગીરી કાર્યવાહી કરશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેજાદ ખાન પઠાણને વિપક્ષ નેતા ના બનાવવાની પ્રદેશ પ્રમુખ અને પ્રભારી સમક્ષ રજૂઆત કરનારા કોંગ્રેસના કોર્પોરેટરોને પક્ષ તરફથી શો-કોઝ નોટિસ અપાઈ હતી.બાદમાં જેમને શો-કોઝ નોટિસ અપાઈ હતી એ કોર્પોરેટરોએ નોટિસનો જવાબ પણ આપી દીધો હતો.બાદમાં પક્ષ તરફથી કોઈ કાર્યવાહી જેમને નોટિસ અપાઈ હતી એ કોર્પોરેટરો સામે કરાઈ નથી.આમ છતાં હજુ સુધી આ કોર્પોરેટરો એવી જીદ પકડીને બેઠા છે કે,અમને પ્રદેશ પ્રમુખે નોટિસ આપી હતી એથી અમે કોંગ્રેસ પક્ષના કાર્યક્રમમાં હાજર રહીશુ નહીં.

કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટર દ્વારા કાળો જાદુ કરવા ધોરાજીના હમીદા મા નામના  મહિલાને કામગીરી સોંપી હોવા અંગેની વાઈરલ થયેલી કથિત ઓડીયો કલીપથી સર્જાયેલા વિવાદ બાદ પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી આ સમગ્ર  જેમની કથિત ભૂમિકા હોવાનું ચર્ચાય છે એવા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જમનાબહેન વેગડા સામે કાર્યવાહી કરશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.કોંગ્રેસના કોર્પોરેટર જમનાબહેન વેગડાની મળેલી પ્રતિક્રીયા મુજબ,તેઓ તાંત્રિક વિદ્યામાં માનતા નથી.હાલના ટેકનોલોજીના યુગમાં બધુ શકય છે.ઓડીયો કલીપ મારી નથી.આ કલીપ તમારી નથી તો તમે આ મામલે સાયબર વિભાગમાં ફરિયાદ કરશો કે કેમ? એવા મિડીયા તરફથી પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું,કોંગ્રેસ પક્ષ તરફથી જે પ્રમાણે સુચના આપવામાં આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશ.