Gujarat

અનુસ્નાતકની પરીક્ષામાં વિદ્યાર્થી યુનિયનનો હોબાળો

By GS Team
29 Jun 20202 mins read
This article was originally published on 29 Jun 2020
અનુસ્નાતકની પરીક્ષામાં વિદ્યાર્થી યુનિયનનો હોબાળો

આણંદ, તા.29 જૂન 2020, સોમવાર

કોરોના વાયરસની મહામારી વચ્ચે વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાના કેટલાક અભ્યાસક્રમોની આજરોજ પરીક્ષા આજરોજ યોજાઈ હતી. યુનિ.ના જ્ઞાાનોદય ભવન ખાતે વિદ્યાર્થીઓને સેનીટાઈઝ તેમજ થર્મલ સ્ક્રીનીંગ કર્યા બાદ પરીક્ષા હોલમાં પ્રવેશ અપાયો હતો અને વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. 

જો કે પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી યુનિયનના નેતાઓ દ્વારા યુનિ.ના સત્તાધીશો દ્વારા પરીક્ષા યોજવાના નિર્ણયનો વિરોધ કરી યુનિ. ખાતે સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર કરાયો હતો. પરંતુ પોલીસે ગણતરીની મિનિટોમાં વિરોધ કરી રહેલ તમામ પ્રદર્શનકર્તાઓની અટકાયત કરી હતી.રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં યુનિ.ની પરીક્ષાઓ યોજવા અંગેનો મુદ્દો હાલ ગુંચવણમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ પરીક્ષાઓ અંગે ગાઈડલાઈન બહાર પાડવા યુજીસીને જણાવવામાં આવ્યું છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજથી અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓનો પ્રારંભ કરાયો છે. આજે અનુસ્નાતક કક્ષાના ઈતિહાસ, સંસ્કૃત અને પોલીટીકલ સાયન્સ અભ્યાસક્રમોમાં પરીક્ષાઓ યોજાઈ હતી. અંદાજે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ પૈકી ૯૦ ટકા વિદ્યાર્થીઓએ આજની પરીક્ષામાં હાજરી આપી હતી. યુનિ.ના જ્ઞાનોદય ભવન ખાતે ગતરોજ પરીક્ષા કેન્દ્રને સેનીટાઈઝ કરી તૈયાર કરાયા હતા અને આજે સવારના સુમારે પરીક્ષા શરૃ થવા પૂર્વે ચુસ્ત પોલીસ  બંદોબસ્ત વચ્ચે તમામ પરીક્ષાર્થીઓ પાસે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરાવી તેઓને સેનીટાઈઝ તેમજ થર્મલ સ્ક્રીનીંગ કર્યા બાદ પરીક્ષા હોલમાં પ્રવેશ અપાયો હતો. તમામ વિદ્યાર્થીઓએ સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે યુનિ.ની પરીક્ષાઓ આપી હતી.જો કે યુનિ. દ્વારા આજથી પરીક્ષાઓનું આયોજન કરાતા છેલ્લા કેટલાક દિવસથી પરીક્ષા અંગે વિરોધ કરી રહેલ વિદ્યાર્થી યુનિયનના નેતાઓમાં યુનિ. સત્તાધીશો સામે ભારે રોષની લાગણી વ્યાપી હતી. વિદ્યાર્થી પાંખના વિરોધ અંગે વિદ્યાનગર પોલીસને જાણ થતા પોલીસનો કાફલો યુનિ. ખાતે બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો. જો કે બપોરના સુમારે અચાનક વિદ્યાર્થી નેતા અલ્પેશ પુરોહિત સહિતના નેતાઓએ યુનિ. નજીકમાંથી યુનિ. પરિસરમાં એન્ટ્રી કરી યુનિ. સત્તાધીશો સામે થાળી-વાડકી ખખાડી તેમજ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓએ તુરત જ તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી તમામને પોલીસવાનમાં બેસાડી વિદ્યાનગર પોલીસ મથક ખાતે લઈ જવાયા હતા. બાદમાં તમામ વિરોધકર્તાઓનો જામીન ઉપર છુટકારો થયો હતો.