Gujarat

ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો

By GS TEAM
21 Feb 20262 mins read
ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો

બે પુત્રો સાથે પિતાનું બાઇક કેનાલમાં ખાબક્યું

પિતાનો બચાવ થવાથી તર્કવિતર્કના પગલે પોલીસે પિતાપરિવાર અને સાસરીયાની પણ સઘન પુછપરછ કરાઇ

ગાંધીનગર :  ઉવારસદ ગામનો યુવાન બે પુત્રોને લઇને જમવાનું લવા નીકળ્યા બાદ બાઇક કેનાલમાં પડી જવાના બનાવમાં પિતાનો ચમત્કારી બચાવ થયો હતો. જ્યારે બે દિવસ બાદ ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ કડી નજીક કેનાલમાંથી મળ્યો હતો અને બીજાની શોધ ચાલી રહી છે. તરતા આવડતું નહીં હોવા છતાં પિતાનો બચાવ થવાથી તર્ક વિતર્કના પગલે પોલીસે પિતા, પરિવાર અને સાસરીયાની પણ સઘન પુછપરછ કરાઇ હતી.

જીઆઇડીસીમાં નોકરી કરતો ઉવારસદ ગામનો રહેવાસી રાજુભાઈ ઠાકોર ગત બુધવારે સાંજે તેના બે પુત્રો ૧૦ વર્ષના યશ અને ૭ વર્ષના મનદિપને બાઈક પર બેસાડી નાસ્તો લેવા નીકળ્યા હતા. એસજી હાઈવે પર ટ્રાફિક વધુ હોવાથી તેઓ અંબાપુર કેનાલ તરફથી જતા હતાં. દરમિયાન અચાનક રસ્તામાં કૂતરૃં આડું આવતા રાજુભાઈએ કાબૂ ગુમાવતાં બાઈક સીધું કેનાલમાં ખાબક્યું હતું. રાજુભાઈને તરતા આવડતું નહોતું, છતાં જીવ બચાવવા તેમણે હાથ-પગ હલાવ્યા હતા. સદનસીબે, અડાલજ વોટર સાઈડ કેનાલ પાસે એક દોરડું તેમના હાથમાં આવી જતાં તેઓ બહાર નીકળવામાં સફળ રહ્યા હતાં. જોકે, તેમના બંને માસૂમ પુત્રો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. બહાર આવ્યા બાદ તેમણે સિક્યુરિટી ગાર્ડ અને પરિવારને જાણ કરી હતી, ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી બાજુ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી હાથ ધરાયેલી શોધખોળમાં માત્ર બાઈક મળી આવ્યું હતું. શુક્રવારે ૧૦ વર્ષીય પુત્ર યશનો મૃતદેહ કડીની કરણનગર કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં કોઈ કાવતરું હોવાની શંકાએ પરિવાર અને પાડોશીઓની પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ વિવાદ સામે આવ્યો ન હતો.