20 કેદી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે બોર્ડ જેલની ચાર દિવાલ વચ્ચે જશે

વડોદરા, 17 માર્ચ 2022
બોર્ડ હોય કે શાળાકીય પરીક્ષાઓ, વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જે તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં જવું પડે છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે તેવા 20 કેદી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બોર્ડ સામે ચાલીને જેલની ચાર દિવાલ વચ્ચે જશે.
બોર્ડ દ્વારા જે રીતે જુદી જુદી શાળાઓમાં પરિક્ષા માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવે છે તેવી જ રીતે આ કેદી પરીક્ષાર્થીઓ માટે સેન્ટ્રલ જેલમાં જ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે અને બોર્ડ પ્રતિનિધિઓની નિગરાની હેઠળ તમામ નીતિ નિયમો અનુસરીને અને તકેદારીના નિયમો પાળીને જેલમાં બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવશે. કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું હતું કે, એસ.એસ.સી.એટલે કે ધોરણ દશની પરીક્ષા આપવા માટે 11 અને એચ.એસ.સી.એટલે કે 12 ધોરણની પરીક્ષા આપવા માટે 9 મળીને કુલ 20 કેદી પરીક્ષાર્થીઓ છે. જે હાલમાં ખૂબ ધ્યાન થી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે. 20 પૈકી 5 કાચા કામના કેદીઓ છે. જેમના પર હાલમાં અદાલતી કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે અન્ય 15 કેદીઓ અદાલત દ્વારા સજા પામેલા એટલે કે પાકા કામના કેદીઓ છે. કેદી પરીક્ષાર્થીઓની ઉંમર 25 થી 35 વર્ષની છે. ભણવાની ઉંમરે જેઓ બહાર ના ભણી શક્યા એમને ભણતર આગળ વધારવાની તક જેલમાં રહીને મળી એ મહત્વની વાત ગણાય. કેદી પરીક્ષાર્થીઓની સંખ્યા વધુ હોય ત્યારે વાંચન અને પરીક્ષાની તૈયારીઓ માટે જુદી બેરેક રાખવામાં આવે છે. જો કે આ વર્ષે સંખ્યા ઓછી હોવાથી તેઓ પોતાની બેરેકમાં જ પૂર્વ તૈયારી કરી રહ્યાં છે. બોર્ડ પરીક્ષા આપવા માટે નિયમિત વિદ્યાર્થીઓ તેમની શાળાઓમાંથી સામાન્ય રીતે પરીક્ષા ફોર્મ ભરે છે. જો કે કેદીઓ એવી કોઈ શાળાના નિયમિત વિદ્યાર્થીઓ નથી. એટલે તેમના ફોર્મ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના માધ્યમથી, તે સૂચવે તે પ્રમાણેની શાળામાંથી ઓનલાઇન ભરવામાં આવે છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં બીજા પ્રવેશ દ્વાર પછી વિશાળ ખુલ્લી જગ્યામાં ઓપન થીયેટર છે. તેની સામે આવેલી કવોરનટાઈ્ન બેરેકને તમામ સુવિધાઓ બોર્ડના ધારાધોરણ પ્રમાણે રાખીને બોર્ડ પરીક્ષા કેન્દ્રમાં ફેરવવામાં આવશે. સી.સી.ટીવી સહિત ચુસ્ત નિગરાની અને તકેદારી હેઠળ પરીક્ષા લેવામાં આવશે.




