શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના ટેન્કરના ફેરા અને બિલિંગમાં ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે મ્યુનિ. કોર્પોરેશનની ઓડિટ શાખાના ચીફ ઓડિટરને રજૂઆત કરીને કોન્ટ્રાક્ટરના બિલોની વિગતવાર તપાસ કરાવી તેની ચૂકવણી હાલ પૂરતી રોકી રાખવાની માંગણી કરાઈ છે.
પૂર્વ ઝોનમાં નાગરિકોને પાણીની અછત તેમજ પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે છોટુ મધુકર પાટિલને પાણીના ટેન્કર મારફતે પાણી પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું જણાવી વોર્ડ નંબર-૧૫ ના કોંગ્રેસના કોર્પોરેટરે રજૂઆત કરી હતી કે જીપીએસ ટ્રેકરના ડેટાની તપાસમાં એક જ ટેન્કર માત્ર ૧૬૫ મિનિટના સમયગાળામાં ૧૦ વખત પાણી ભરી અલગ-અલગ સ્થળોએ પાણી ખાલી કરી અને ફરી મૂળ સ્થળે પરત આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારનું બિલિંગ વ્યવાહારિક રીતે શક્ય ન હોવાની ઉગ્ર રજૂઆત કરાઈ છે.
વધુમાં જણાવાયું છે કે એક જ સમયગાળામાં બે અલગ-અલગ ટેન્કર દ્વારા એક જ સ્થળે પાણી પહોંચાડાયું છે, જ્યારે અન્ય ૩૯ જીપીએસ ટ્રેકરના ડેટાની તપાસમાં માત્ર ૫ થી ૧૦ સેકન્ડનો જ સમયફેર જોવા મળ્યો છે. આ પ્રકારની સમાન એન્ટ્રીઓ શંકા ઊભી કરે છે.
આ કોન્ટ્રાક્ટરના પૂર્વ ઝોનમાં ૩૯થી વધુ ટેન્કરો વિવિધ વોર્ડોમાં પાણી પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. ટેન્કરો પાણી ભરવા માટે જે ટાંકીઓ પર જાય છે ત્યાં રજિસ્ટરોની પણ તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવશે.
જીપીએસ ટ્રેકિંગના આધારે વીડિયો ફૂટેજમાં સયાજીપુરા ટાંકી પરથી કોર્પોરેશનનું પાણી ભરી કેટલાક ટેન્કરો મ્યુનિ. કોર્પોરેશનની હદ બહાર પણ પાણી પહોંચાડી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે, જે અંગે તપાસ કરવી જરૂરી છે.
ત્રણ મહિનામાં પાણીના ટેન્કરના ૨૦ હજાર ફેરા
શહેરની સયાજીપુરા, સરદાર એસ્ટેટ અને નાલંદાપાણીની ટાંકીઓથી જાન્યુઆરી મહિનામાં ૫, ૧૭૦ ફેરા, ફેબ્રુઆરીમાં ૮, ૧૯૧ ફેરા અને માર્ચમાં ૬,૬૧૦ ફેરા થયા છે, જેના રજૂ કરાયેલાબિલમાં સ્પષ્ટ ગેરરીતિ થઈ હોવાના કાઉન્સિલરે આક્ષેપ કર્યો છે. કુલ ૧૯,૯૭૧ ફેરાના કોન્ટ્રાક્ટર દ્વારા પ્રતિ ટેન્કર રૂા. ૩૧૦ના ભાવે કુલરૂ. ૬૧૯૧,૦૧૦ના બિલો રજૂ કરીયા હોવાનું જાણવા મળે છે.


