દેવુ કરીને કરેલા વિકાસના માઠા પરિણામ, સાબરમતી રિવરફ્રન્ટની આવક ૧૩૧ કરોડ,દેવું રુપિયા ૨૦૮૧ કરોડ

અમદાવાદ,શુક્રવાર,20
ફેબ્રુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડેવલપ કરેલા સાબરમતી
રિવરફ્રન્ટ પ્રોજેકટને લઈ મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષની રજૂઆતને પગલે ભાજપના
સભ્યો અકળાઈ ગયા હતા. રિવરફ્રન્ટ પ્રોજેકટ પાછળ ફલાવર પાર્ક, અટલબ્રિજ સહિતના
સ્પોટ ડેવલપ કરવા કોર્પોરેશને અત્યારસુધીમા રુપિયા ૨૩૭૮ કરોડનો ખર્ચ કર્યો. પરિણામ
શું મળ્યુ. તેમ કહી વિપક્ષનેતાએ રિવરફ્રન્ટ
ડેવલપ કરવા ૧૨ વર્ષમાં કોર્પોરેશને રુપિયા
૨૦૮૧ કરોડની લોન આપી છે.જે સામે આવક માત્ર રુપિયા ૧૩૧ કરોડ થઈ છે. દેવું
કરીને કરેલા વિકાસના માઠા પરિણામ એ આવ્યા કે,
સાત પ્લોટ વેચવા હરાજી કરાઈ એમા પણ માત્ર એક પ્લોટ ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપી
શકાયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ માટે એક સમયે ડ્રીમ પ્રોજેકટ હતો.
એક સમયે ત્યાં સુધી કહેવાયુ હતુ કે,
રિવરફ્રન્ટના વિકાસ પછી અમદાવાદ સિંગાપુર બની જશે તેવો બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ
આક્ષેપ કર્યો હતો. પરંતુ પરિસ્થિતિ હાલ એવી છે કે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના વિકાસકામો પુરા કરવા
વિશ્વબેન્ક સહિત અન્ય લોનના બોજા હેઠળ દબાયેલ છે.તેના તરફથી સાબરમતી રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ
માટે અત્યારસુધીમાં રુપિયા ૨૦૮૧ કરોડની આર્થિક લોન આપવામા આવી છે.રિવરફ્રન્ટ ઉપર વલ્લભસદન
અને લેમન ટ્રી પાછળ આવેલા પ્લોટ ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપવા હરાજી કરાઈ હતી.જે પૈકી
વલ્લભસદનના એક પ્લોટ માટે એક બીડરે બેઝ પ્રાઈસ
રુપિયા ૨૩૬૭૬ પ્રતિ ચોરસમીટર થી ડેવલપમેન્ટ રાઈટસ લેવા સંમતિ દર્શાવી હતી.વિપક્ષનેતાએ
કહ્યુ, રિવરફ્રન્ટ
ડેવલપમેન્ટને લઈ આયોજન કરવામા ઘણું મોડુ કરાયુ છે.
રિવરફ્રન્ટ ઉપર બાઉન્સર પાછળ ૭૧ કરોડનો ખર્ચ કરાયો
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલબ્રિજ, ફલાવરપાર્ક સહિત અનેક
ગાર્ડન સહિતના સ્થળ છેલ્લા કેટલાક વર્ષમાં ડેવલપ કરાયા છે. પરંતુ કરોડોના ખર્ચ પછી
પણ ઘાટ કરતા ઘડામણ જેવો ઘાટ થયો છે. આ તમામની રુપિયા ૧૩૧ કરોડની આવક સામે ૧૨ વર્ષમાં
બાઉન્સરોને ફરજ ઉપર મુકવા માટે વિવિધ એજન્સીઓને રુપિયા ૭૧ કરોડ ચૂકવવામા આવ્યા છે.








