Get The App

નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો 1 - image

- 1981 માં લાઇસન્સ ફીથી અપાયેલી જગ્યામાં નિયમો નેવે મૂકી કોમર્શિયલ બાંધકામ ખડકાયા 

- 2022 ની સામાન્ય સભામાં ઠરાવ નં. 67 થી જગ્યા ખાલી કરવાનો નિર્ણય છતાં પાલિકાના અધિકારીઓ કબજો લેવાની તસ્દી લીધી નથી : 2010 માં નોટિસ અપાઇ હતી  

નડિયાદ : નડિયાદના સૌથી પોશ ગણાતા માણેકચોક વિસ્તારમાં પાલિકાની ખુલ્લી જમીનો અને દુકાનો પર વર્ષોથી લોકોએ કબજો જમાવ્યો છે. ડિસેમ્બર ૨૦૨૨માં મળેલી સામાન્ય સભામાં ઠરાવ નં. ૬૭થી આ જગ્યા ખાલી કરવાનો નિર્ણય લેવાયો હતો તેમ છતાં અત્યાર સુધી પાલિકાનો એક પણ અધિકારીએ કબજો લેવાની તસ્દી લીધી નથી. પરિણામે પાલિકાની તિજોરીને નુકસાન થઇ રહ્યું છે. 

નડિયાદના માણેકચોકમાં ખાણીપીણી માર્કેટ માટેની ૧થી ૧૫ દુકાનો અને ખૂલ્લી જગ્યાનો મામલો સામે આવ્યો છે. રેકોર્ડ પરની વિગતો મુજબ, ૧૯૮૧માં જનરલ બોર્ડના ઠરાવ નં.૩૩થી મલાવ તળાવ પૈકીની જગ્યાઓમાં ખાણીપીણીના લારીઓ વાળાઓને માત્ર લાઇસન્સ ફી અને સર્વિસ ચાર્જ વસૂલીને ૧૫ બાય ૮ ફૂટની જગ્યા ફાળવી હતી. શરત મુજબ અગાઉ માત્ર કામચલાઉ સ્ટોલ રાખવાના હતા. પરંતુ આ ભાડૂઆતોએ પાલિકાની જાણ બહાર કાચા- પાક ગેરકાયદે બાંધકામો અને પતરાના શેડ ખડકી દીધા છે. આટલું ઓછુ હોવાથી અને મૂળ લાભાર્થીઓએ સરકારી જગ્યા પોતાની માલિકીની હોય તેમ અન્ય લોકોને પેટા ભાડે આપી દીધી છે અને તેમની પાસેથી તોતિંગ ભાડુ વસૂલવામાં આવી રહ્યાના આક્ષેપો થઇ રહ્યાં છે. 

આ દબાણો દૂર કરવા માટે ૨૦૧૦માં નોટિસ અપાઇ હતી પરંતુ કોઇ અમલ થયો ન હતો. બાદ ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ મળેલી સામાન્ય સભામાં ઠરાવ નં. ૬૭ કરીને સર્વનુમતે નક્કી કરાયું હતું.

 તમામ મિલક્તોની મુદત પૂર્ણ થઇ ગઇ હોવાથી અને શરતભંગ થતો હોવાથી પ્રત્યક્ષ કબજો પાલિકાએ પરત મેળવો, આ ઠરાવને આજે વર્ષો થઇ ગયા છતાં સ્થિતિ યથાવત છે. સંતરામ રોડ પર ડી.પી. દેસાઇના ખાંચાથી સંતરામ ટાવર સુધીની દુકાનોની પાછળની બાજુએ પણ ગેરકાયદે દબાણ કરીને બાંધકામો કરી દેવાયા છે. ૧૯૯૯મા ભાડે આપવા ઠરાવો થયા હતા. તે પણ રદબાતલ હોવા છતાં તંત્ર કડક કાર્યવાહી કરવામાં ઉપેક્ષા કરવામાં આવી રહી છે. 

શેડ તોડી પાડયા પણ કબજો ન લેવાયો

માણેકચોકની આ વિવાદિત જગ્યા પર ભૂતકાળમાં પાલિકાએ દેખાડો કરવા માટે દબાણ હટાવ ઝુંબેશ કરી હતી. તે સમયે ત્યાં ઉભા કરાયેલા ગેરકાયદે શેડ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, અધિકારીઓએ માત્ર શેડ તોડીને સંતોષ માની લીધો હતો. પરંતુ જમીનનો કબજો પાલિકા હસ્તક લીધો ન હોતો. આ છીંડાનો લાભ લઈને દબાણકર્તાઓ આજે પણ ત્યાં જ અડ્ડો જમાવીને બેઠા છે અને ખુલ્લી જગ્યામાં લારી-ગલ્લા મુકાવીને ખાનગી રાહે ભાડા ઉઘરાવી રહ્યા છે. શેડ તૂટયા પણ ધીકતી કમાણી અકબંધ રહી છે.

નગર પાલિકાને બેવડું નુકસાન

એક તરફ આ જગ્યાનો ભાડાપટ્ટો અને મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી પાલિકાએ કાયદેસર રીતે ભાડું કે સવસ ચાર્જ વસૂલવાનું બંધ કરી દીધું છે. પાલિકાને આ મિલકતમાંથી એક રૂપિયાની પણ આવક થતી નથી. જ્યારે બીજી તરફ મૂળ ભાડુઆતો અને દબાણકર્તાઓ મફતમાં પ્રાઈમ લોકેશનની જમીન વાપરી રહ્યા છે અને પેટા ભાડુઆતો પાસેથી રોકડી કરી રહ્યા છે. આમ પ્રજાના પૈસે વસુલી પાલિકાની મિલકતનો લાભ ખાનગી વ્યક્તિઓ ઉઠાવી રહ્યા છે.