Gujarat

વિઝાના રૃપિયા પરત માંગવા દસ શખ્સોએ ઓફિસમાં ઘૂસી ધમકી આપી

By GS TEAM
16 Nov 20252 mins read
વિઝાના રૃપિયા પરત માંગવા દસ શખ્સોએ ઓફિસમાં ઘૂસી ધમકી આપી

સરગાસણમાં આવેલી વિઝા કન્સલ્ટન્ટમાં

ગાળા ગાળી કરીને ઉપાડી જવાની ધમકી આપી ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સરગાસણમાં આવેલી વિઝાની ઓફિસમાં વિઝાના પૈસા પરત લેવા બાબતે બે શખ્સો અને તેમની સાથે આવેલા આશરે સાતથી આઠ અજાણ્યા માણસોએ ઓફિસમાં ઘૂસી જઈ હંગામો મચાવ્યો હતો. આ શખ્સોએ ઓફિસના માલિક અને સ્ટાફ સાથે ગાળાગાળી અને અસભ્ય વર્તન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ગાંધીનગર શહેરના સેક્ટર ૩ ખાતે રહેતા અને સરગાસણ ખાતે પ્રમુખ એવન્યુ કોમ્પલેક્ષમાં એમ.એસ.આઇ.પી. ઓવરસિઝ એલ.એલ.પી. નામની વિઝા અને કોચિંગની ઓફિસ ધરાવતા મેહુલ રાજેશભાઈ સોનીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત શુક્રવારના રોજ તેઓ સાંજના સમયે ઓફિસમાં હાજર હતા અને તેમના સાથી કર્મચારીઓ પણ ઓફિસમાં હતા તે સમયે સેક્ટર ૨૪માં રહેતા રાહુલ નાઈ તેમજ અમદાવાદ ઘાટલોડીયા ખાતે રહેતા સંદીપ ગણપતભાઈ નાઈ અને તેમની સાથે અન્ય સાતથી આઠ જેટલા અજાણ્યા માણસો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા.

જેમણે અગાઉ વિઝાનું કામ આપ્યું હતું અને વિઝાના રૃપિયા પરત લેવા મામલે તેમની સાથે બોલાચાલી કરી ગાળા ગાળી કરી હતી. એટલું જ નહીં ઓફિસમાંથી ઉપાડી જવાની પણ ધમકી આપી હતી. જો ૨૬ નવેમ્બર સુધીમાં તેમના રૃપિયા પરત નહીં મળે તો અહીં રહેવું પણ ભારે પડી જશે તેવી ધમકી આપી હતી. તેમજ ઓફિસના મહિલા કર્મચારીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.

જેથી તેમણે તુરંત જ પોલીસને ફોન કરતા આ શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. હાલ તેમની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવ્યું છે.