Gujarat

સાણંદની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષકે 4 વિદ્યાર્થીઓને માર મારતા હોબાળો

By GS Team
24 Aug 20252 mins read
This article was originally published on 24 Aug 2025
સાણંદની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષકે 4 વિદ્યાર્થીઓને માર મારતા હોબાળો

- શિક્ષકે અગાઉ પણ વિદ્યાર્થીઓને માર મારી ચુક્યાનો વાલીઓનો આક્ષેપ

- આચાર્યે શિક્ષકનો બચાવ કરતા વાલીઓનો રોષ ભડક્યો : શિક્ષક અને આચાર્યની બદલી નહીં કરાય ત્યાં બાળકોને શાળાએ મોકલવાની વાલીઓએ હઠ પકડી

બગોદરા : સાણંદની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષકે ચાર વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓ અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકે અગાઉ પણ વિદ્યાર્થીઓને માર મારી ચુક્યાનો આક્ષેપ કર્યો હતો. આચાર્યે શિક્ષકનો બચાવ કરતા વાલીઓનો રોષ ભડક્યો અને શિક્ષક અને આચાર્યની બદલી નહીં કરાય ત્યાં બાળકોને શાળાએ મોકલવાની વાલીઓએ હઠ પકડી હતી.

સાણંદના માણકોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને માર મારવાના મામલે વાલીઓ અને ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ધોરણ ૮ના ચાર વિદ્યાર્થીઓને વ્યાયામ શિક્ષક દ્વારા માર મારવામાં આવતા ગામલોકોમાં રોષ ફેલાયો છે.

માણકોલ પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષક રાકેશ લકુમ પર ધોરણ ૮ના ચાર વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાની જાણ થતાં વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા અને શાળાની બહાર હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ શિક્ષક અગાઉ પણ વિદ્યાર્થીઓને માર મારી ચૂક્યા છે.

સ્થિતિ વણસતા એસએમસીની (શાળા વ્યવસ્થાપન સમિતિ) ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, આચાર્યે શિક્ષકનો બચાવ કરવાનો પ્રયાસ કરતા વાલીઓનો રોષ વધુ ભડક્યો હતો. બાદમાં, સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે વાલીઓ અને ગ્રામજનો સાથે બેઠક યોજીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

વાલીઓ અને ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં સુધી વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષક અને આચાર્યની બદલી કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલશે નહીં. આ મામલે વાલીઓ અને શાળા તંત્ર વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે. ?શું આ વિરોધના પગલે શિક્ષક અને આચાર્યની બદલી કરવામાં આવશે? આ ઘટના પર સ્થાનિક શિક્ષણ વિભાગ શું પગલાં ભરશે?