Gujarat

૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ

By GS TEAM
17 Mar 20262 mins read
૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ

વડોદરા : ૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા ટેક્સ કન્સલ્ટન્ટે જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,ગાઝી કન્સલ્ટન્સી નામની પેઢીના સર્વર ડેટા અને હાર્ડ-ડિસ્કમાંથી આરોપીની સંડોવણીના પુરાવાઓ મળી આવ્યા છે.આરોપીએ હોદ્દાનો દુરુપયોગ કરી મોટી રકમની કરચોરીમાં સક્રિય ભૂમિકા ભજવી હોવાનું જણાય છે.

કેસની વિગત એવી છે કે, જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ ઓફિસરે જીએસટી કૌભાંડની  ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કેઆરોપીએ સહ-આરોપીઓ સાથે મળીને કુલ ૩૨ જેટલી નકલી પેઢીઓ ઊભી કરી હતી. આ બોગસ પેઢીઓના નામે કોઈપણ પ્રકારના વાસ્તવિક માલ કે સેવાની આપ-લે કર્યા વિના માત્ર કાગળ પર ઇન્વોઇસ બનાવી અંદાજે રૃા. ૧૦૮ કરોડથી વધુ  રકમની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી.

આ કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટ મોહમ્મદમોબીન આમિરઅલી ભુરાણીની સંડોવણી સપાટી પર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ રજૂ થઇ ગયું છે.જ્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આ એક અત્યંત ગંભીર આથક ગુનો છે જેમાં તપાસ દરમિયાન કબજે કરાયેલ ડિજિટલ ડેટા અને આઈપી એડ્રેસ સીધા આરોપી તરફ આંગળી ચીંધે છે.

બન્ને પક્ષી રજૂઆત સાંભળ્યા બાદ અદાલતે અરજદારની અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે,જે આઈપી એડ્રેસ પરથી જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા તે  આરોપી મોહમ્મદમોબીન ભુરાણીના નામે રજિસ્ટર્ડ હતા. ચાર્જશીટ દાખલ થવી એ જામીન મેળવવા માટેનો આપોઆપ બદલાયેલો સંજોગ ગણી શકાય નહીં. આથક ગુનાઓની ગંભીરતા અને સમાજ પર તેની અસરોને ધ્યાને રાખીને, અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.