Iskon Bridge Accident Case: ઇસ્કોન બ્રિજ પર 141.27 કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાંખી મોતને ઘાટ ઉતારવા ચકચારભર્યા કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે આજે વધુ એક સાક્ષી મિઝાન ઇરફાન ભાડભૂજાએ ફીટ જુબાની આપી હતી. સાક્ષીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી બધી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકોના મૃતદેહના ખડકલા થઈ ગયા હતા. જો હું ગાડીના પાછળના ટાયરે ન ફસાયો હોત તો હજુ વધુ લોકોના મોત થઈ ગયા હોત એવો ચોંકાવનારો ઘટસ્ફોટ આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજા પામનાર સાક્ષી મિઝાન ભાડભૂજાએ કર્યો હતો. આ મામલે આગામી દિવસોમાં વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.
ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલએ સર્જેલા અકસ્માતમાં ઈજા પામનાર સાક્ષી મિઝાન ઇરફાન ભાડભૂજા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ હાજર રહ્યો હતો. મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ તેની જુબાની લીધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે રાત્રે ત્યાં થાર ગાડીનો અકસ્માત થયો હતો. ત્યારે મારા સહિતના મિત્રો અને લોકો અમે અકસ્માત જોવા માટે પહોંચ્યા હતા, ત્યારે 12 વાગ્યાની આસપાસ એક સફેદ કલરની જેગુઆર કાર બેફામ અને પૂરપાટ ઝડપે આવી હતી. બેકાબૂ અને જબરદસ્ત ઓવરસ્પીડમાં આવેલી ગાડીએ પળવારમાં લોકોને કચડી નાંખ્યા હતા. ગાડી મારા પર પણ ફરી વળી હતી અને હું આગળના ટાયર પર કચડાયા બાદ પાછળના ટાયરમાં ફસાઈ ગયો હતો.
ત્યારે મેં બચવા માટે બૂમાબૂમ કરતાં મારા મિત્ર ત્યાં આવ્યા હતા. અકસ્માત સમયે બહુ લોકોને ત્યાં આસપાસ પડેલા મેં જોયા હતા. ત્યારે જેગુઆર ગાડીમાંથી ત્રણ-ચાર લોકો ઉતર્યા હતા. ત્યારે ગાડી તથ્ય પટેલ ચલાવતો હોવાની મને જાણ થઈ હતી. તથ્યને લોકોએ ઝડપી લીધો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, મારા પિતા આવે છે, આ સમયે બહુ લોકો નીચે આમ તેમ મૃત હાલતમાં પડેલા હતા.
પછી મને સોલા સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં મારા પરિવારના સભ્યો આવ્યા હતા અને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. મને ડાબા પગમાં ત્રણ સર્જરી અને જમણા પગમાં એક સર્જરી કરવામાં આવી હતી. હજુ એક સર્જરી કરવી પડે તેમ છે. ઈજાગ્રસ્ત થયા બાદ હજુ પણ બેસવા ઉઠવામાં તકલીફ પડી રહી હોવાનો ખુલાસો મિઝાને કર્યો હતો.
સાક્ષીની જુબાની દરમ્યાન કેટલાક મહત્ત્વના સવાલો ચર્ચાનો વિષય બન્યા
તથ્ય પટેલના કેસમાં આજે ત્રીજા સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. જેમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જેમાં સાક્ષી મિઝાન ઇરફાન ભાડભૂજાએ જુબાની દરમ્યાન કહ્યું હતું કે ઘટના સમયે તથ્ય પટેલ હાજર હતો અને તેના પિતા પણ ત્યાં આવી ગયા હતા. પોલીસે તથ્યને ઝડપી લીધો હતો. ત્યારે હવે સવાલ એ થાય છે કે, ઘટનાના દિવસે રાત્રે પોલીસે તથ્ય પટેલને પકડી લીધો હતો તો પ્રજ્ઞેશ પટેલ કેવી રીતે તથ્ય પટેલને લઈ હૉસ્પિટલ પહોંચી ગયો. પોલીસે જ તથ્ય પટેલને કેમ જવા દીધો તેવા ઘણા મુદ્દા જુબાની દરમ્યાન ચર્ચાનો વિષય બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, 108 પણ ગણતરીની મિનિટોમાં આવતી હોય છે ત્યારે તે દિવસે 108 પણ ઘટનાના અડધો કલાક બાદ આવી હોવાનું સાક્ષીએ જુબાનીમાં જણાવ્યું હતું.
સાક્ષીએ ભરચક કોર્ટમાં તથ્યને ઓળખી બતાવ્યો
મહત્ત્વના સાક્ષી મિઝાન ભાડભૂજાની જુબાની ચાલતી હતી તે વખતે ફરિયાદ પક્ષે તથ્ય પટેલને ઓળખો છો તેવો સવાલ સાક્ષીને કર્યો હતો. ત્યારે તેણે હા પાડી હતી. પછી કોર્ટે પૃચ્છા કરી હતી કે, આ કોર્ટમાં તથ્ય પટેલ હાજર છે. ત્યારે સાક્ષીએ આમ તેમ જોયું હતું અને ત્યારબાદ જેલમાંથી વીડિયો કોન્ફરન્સના માઘ્યમથી હાજર રહેલ તથ્ય પટેલને સાક્ષીએ ઓળખી બતાવી જણાવ્યું હતું કે, માથે ટોપી પહેરી છે અને બ્લૂ શર્ટવાળો તથ્ય પટેલ છે.


