તથ્ય પટેલ કેસઃ ત્રણ સપ્તાહમાં ચાર્જફ્રેમ કરો, ટ્રાયલ કોર્ટને સુપ્રીમ કોર્ટનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ISKCON Bridge Accident Case: અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. 9 લોકોનો ભોગ લેનાર આ ભયાનક અકસ્માતના કેસમાં જેલમાં બંધ મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતની ટ્રાયલ કોર્ટને સ્પષ્ટ અને કડક આદેશ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે કેસમાં ચાર્જફ્રેમ કરવામાં આવે. હવે સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલ સામેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આ સંવેદનશીલ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. કોર્ટે હુકમ કર્યો છે કે આગામી ત્રણ અઠવાડિયાની અંદર આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જશીટના આધારે ચાર્જફ્રેમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કેસને બિનજરૂરી રીતે લાંબો ખેંચી શકાય નહીં અને સમયસર ન્યાય પ્રક્રિયા પૂરી કરવી અનિવાર્ય છે.
ઉલ્લેખનીય છે કે, આ ભયાનક અકસ્માતની ઘટનાના ત્રીજા વર્ષે આ કેસમાં ચાર્જ ફ્રેમ થવા જઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આ હસ્તક્ષેપ બાદ હવે તથ્ય પટેલ સામેની કાયદાકીય પ્રક્રિયા વધુ ગતિ પકડશે. સુપ્રીમ કોર્ટની આ મહત્ત્વની ચેતવણી બાદ તથ્ય પટેલ પર લાગેલા ગંભીર આરોપો સામે કોર્ટમાં કેસ ઝડપથી આગળ વધશે અને ટ્રાયલનો માર્ગ મોકળો થયો છે, જે પીડિત પરિવારો માટે ન્યાયની આશાનું કિરણ બન્યું છે.








