Gujarat

અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફરાર

By GS TEAM
24 Nov 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વૃદ્ધોને નિશાન બનાવીને છેતરપિંડી આચરતી એક ટોળકીએ તરખાટ મચાવ્યો છે. અહીં ખોડિયાર માતાજીના 'ભૂવા' હોવાનો ઢોંગ કરીને આવેલા બે અજાણ્યા શખસોએ 76 વર્ષીય ચંદ્રિકાબેન ચંપકલાલ મકાણીને વાતોમાં ઉલઝાવીને તેમની પાસેની આશરે 1,00,000ની કિંમતની સોનાની બંગડીની ચોરીને ફરાર થઈ ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફરાર

Ahmedabad Crime: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વૃદ્ધોને નિશાન બનાવીને છેતરપિંડી આચરતી એક ટોળકીએ તરખાટ મચાવ્યો છે. અહીં ખોડિયાર માતાજીના 'ભૂવા' હોવાનો ઢોંગ કરીને આવેલા બે અજાણ્યા શખસોએ 76 વર્ષીય ચંદ્રિકાબેન ચંપકલાલ મકાણીને વાતોમાં ઉલઝાવીને તેમની પાસેની આશરે 1,00,000ની કિંમતની સોનાની બંગડીની ચોરીને ફરાર થઈ ગયા હતા.

વિશ્વાસ કેળવીને લૂંટ કરી લીધી 

મળતી માહિતી મુજબ,  23મી નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વેજલપુર સ્થિત આર.આર. દ્વિવેદી સ્કૂલ આગળ જાહેર માર્ગ પર બન્યો હતો. વીણાકુંજ સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન ટુ-વ્હીલર પર સવાર બે અજાણ્યા ઇસમોએ તેમને રોક્યા હતા. આ શખસોએ સૌપ્રથમ ખોડિયાર માતાજીના મંદિરનું સરનામું પૂછ્યું અને પછી એક શખસે પોતે ખોડીયાર અને કાળકા માતાજીનો 'ભૂવો' હોવાનો દાવો કર્યો. વૃદ્ધાનો વિશ્વાસ જીતવા માટે, તેણે પહેલા વૃદ્ધા પાસેથી એક રૂપિયો લઈને પછી તેમને સો રૂપિયા પાછા આપ્યા. આ યુક્તિથી વૃદ્ધા વાતોમાં આવી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં કરુણ ઘટના: ચાંદખેડામાં ફ્લેટના ત્રીજા માળેથી પટકાતા મહિલાનું મોત

સોનાની બંગડીઓ લઈને ફરાર

વૃદ્ધાને વાતોમાં રાખ્યા બાદ, બંને શખસોએ તેમને છેતરીને હાથની સોનાની બંગડી ઉતારીને આપી દેવાનું કહ્યું. અજાણ્યા શખસોની વાતોમાં આવી જઈને ચંદ્રિકાબેને તેમની આશરે 15 ગ્રામ વજનની એક સોનાની બંગડી ઉતારીને આપી દીધી હતી.

બંગડી મેળવતા જ બંને શખસો ટુ-વ્હીલર પર સવાર થઈને તાત્કાલિક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. થોડા સમય બાદ પોતે લૂંટાયાનો ખ્યાલ આવતા વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી. ચંદ્રીકાબેને તેમના પુત્રવધૂ સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આવીને બંને અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને અન્ય બાતમીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.