ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને સગા ભત્રીજાની ઘાતકી હત્યા

મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડરથી ચકચાર, પોલીસ બંદોબસ્ત
ખેતરની જમીનની માપણી સમયે વિવાદ થતાં વાતચીત કરવા માટે બોલાવેલા શેઢા પાડોશી બે ભાઈઓ તીક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડયા
પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારાના મેઘપર ઝાલા ગામે આવેલી વાડીની જમીનની સરકારી નિયમ મુજબ માપણી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પાડોશમાં ખેતર ધરાવતા ખેડૂત સાથે વિવાદ થયો હતો. આ બાબતે ચર્ચા કરવા માટે ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉં. ૪૦) એ પાડોશી ખેડૂતને સ્થળ પર બોલાવ્યા હતા. જો કે, પાડોશમાં ખેતર ધરાવતા બે સગા ભાઈઓ ત્યાં ઘાતક તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. સામાન્ય વાતચીત દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ બન્ને શેઢાપાડોશી ભાઈઓએ ભાજપ આગેવાન જયપાલસિંહ ઝાલા અને તેમના ભત્રીજા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (ઉં. ૨૧) પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા કાકા-ભત્રીજાના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. આરોપીઓ હુમલો કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ગંભીર ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ મેઘપર ગામ ને ટંકારા હોસ્પિટલે લોકોના ટોળા ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવને પગલે રાજકીય અને સામાજિક વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.









