- બીજી ફેબુ્રઆરી 'વિશ્વ વેટલેન્ડ્સ ડે' નિમિત્તે ચોથો સારસ મહોત્સવ યોજાયો
- દસ વર્ષમાં ખેડા જિલ્લામાં સારસની વસ્તીમાં 3 ગણો વધારો : પરીએજને આ દરજ્જો મળશે તો વૈશ્વિક કક્ષાએથી સંભાળ, વિશેષ ભંડોળ અને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે
નડિયાદ : 'વિશ્વ વેટલેન્ડ્સ ડે' નિમિત્તે ખેડા જિલ્લાના પરીએજ વેટલેન્ડ ખાતે ચોથા સારસ ક્રેન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌથી મહત્વની જાહેરાત એ કરવામાં આવી હતી કે, પરીએજ વેટલેન્ડને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી 'રામસર સાઈટ' તરીકે જાહેર કરવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. જો પરીએજને આ દરજ્જો મળશે તો તેને વૈશ્વિક કક્ષાએથી સંભાળ, વિશેષ ભંડોળ અને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે, જે સારસ ક્રેન સહિતના યાયાવર પક્ષીઓના સંરક્ષણમાં માઈલસ્ટોન સાબિત થશે.
વન વિભાગ અને યુપીએલના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતમાં સારસ ક્રેનની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં જે સંખ્યા ૫૦૦ હતી, તે હવે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૪૭૭ પર પહોંચી ગઈ છે. મહોત્સવમાં ખેડૂતો અને સ્થાનિક સમુદાયના પરંપરાગત જ્ઞાનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આઈયુસીએન રેડ લિસ્ટમાં સામેલ સારસ ક્રેન મુખ્યત્વે ખેતરો અને વેટલેન્ડ્સમાં પ્રજનન કરે છે. કાર્યક્રમમાં ૧૫ શાળાઓ અને ૩ કોલેજોના વિદ્યાર્થીઓએ સારસના જીવનચક્ર પર આધારિત પર્ફોેર્મન્સ અને ફોટો એક્ઝિબિશન દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. સારસ સંરક્ષણ કાર્યક્રમે ૪૦ ગામોમાં ૯૦ ગ્રામીણ સારસ સંરક્ષણ ગુ્રપ દ્વારાવોલેન્ટિયર્સનું એક વિશાળ નેટવર્ક બનાવ્યું છે, જે માળા, ઈંડા તથા બચ્ચાને શિકાર તથા હુમલાથી બચાવવાન લગતી કામગીરી સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સમુદાયોને સારસ ક્રેનના સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ૪૦ ગામોમાં કાર્યરત ૯૦ ગ્રામીણ સ્વયંસેવકોના નેટવર્કની કામગીરી બિરદાવવામાં આવી હતી. જે ગ્રામજનોએ સૌથી વધુ સારસ અને તેમના માળાની વિગતો નોંધી હતી તેમને 'ફ્રેન્ડ્સ ઓફ નેચર' તરીકે સારસ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્વયંસેવકો ઈંડા અને બચ્ચાને શિકારીઓથી બચાવવા સતત કાર્યરત રહે છે.
શું છે રામસર સાઈટ?
રામસર સાઈટ એ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા વેટલેન્ડ્સ માટેનો એક વિશેષ દરજ્જો છે. યુનેસ્કો દ્વારા ૧૯૭૧માં ઈરાનના રામસર શહેરમાં થયેલા સંમેલન મુજબ જે જળાશયો ઇકોલોજીકલ રીતે સમૃદ્ધ હોય તેને આ યાદીમાં મૂકવામાં આવે છે. પરીએજને આ દરજ્જો મળવાથી અહીં પક્ષી પર્યટન અને સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરની સુવિધાઓ વિકસશે.
કુદરતી સંશાધનોની રક્ષા માટે આ પહેલ મહત્વની : પ્રાંત અધિકારી
ખેડા વિભાગના પ્રાંત અધિકારી સૂરજ બારોટે જણાવ્યું હતું કે, વેટલેન્ડ્સ બાયોડાયવસટી અને પર્યાવરણની સ્થિરતા જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે. સારસ ક્રેન અને તેના રહેણાંકની જગ્યાનું રક્ષણ કરવા માટ યુપીએલ અને સ્થાનિક સમુદાય દ્વારા કરવામાં આવેલ કાર્યોની પ્રશંસા થવી જોઈએ. આપણા કુદરતી સંશાધનોની રક્ષા માટે આ પ્રકારની પહેલની ખૂબ જ જરૂર છે.
પરીએજને રામસરમાં સામેલ કરવા પ્રયાસ : આઈયુસીએન રિજનલ કાઉન્સિલર ડા. લીમા
દક્ષિણ અને પૂર્વ એશિયા બાબતોના આઈયુસીએન રિજનલ કાઉન્સિલર ડા.લીમા જણાવ્યું હતું કે, સારસ ક્રેન ફેસ્ટિવલ પ્રજાતિઓના સંરક્ષણ માટે યુપીએલની કટિબદ્ધતાનો ઉત્તમ પૂરાવો છે. સમુદાયની સહભાગીતાને પ્રોત્સાહન આપવા આ વર્ષના ફેસ્ટીવલમાં યુવા વિદ્યાર્થીઓ, વાલેન્ટીયર્સ અને સ્થાનિક સમુદાયોને બાયોડાયવસટી સંરક્ષણ અને ક્લાઈમેટ એક્શનમાં સામેલ કરીને પોતાની પહોંચને વધારી છે. અમે પ્રયાસ કરી રહ્યા છે કેે, પરીએજને રામસરમાં શામેલ કરી વૈશ્વિક દરજ્જો આપીએ, જેથી વિશ્વની નજર પરીએજ તરફ રહે.


