Get The App

માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું 'સૂર્યતિલક'

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું 'સૂર્યતિલક' 1 - image

વર્ષમાં માત્ર એકવાર સર્જાતી ખગોળીય ઘટના

સવારે આરતી સમયે ભક્તોએ 'સૂર્યતિલક'ના દર્શનનો લ્હાવો લીધો ઃ ગર્ભગૃહ પ્રકાશથી ઝળહળી ઉઠયું

માંડલમાંડલના ઐતિહાસિક શ્રી ખંભલાય માતાજી મંદિરે આજે વહેલી સવારે એક દુર્લભ ખગોળીય ઘટના આકાર પામી હતી. વર્ષમાં માત્ર એક જ વાર બનતી આ ઘટનામાં, સૂર્યનારાયણનું પ્રથમ કિરણ સીધું માતાજીના ગર્ભગૃહમાં પ્રવેશી, તેમના લલાટ (કપાળ) પર સ્થાપિત હીરાજડિત સૂર્યતિલક પર આપાત થયું હતું. આરતી સમયે ઉપસ્થિત ભક્તો આ દિવ્ય તેજ નિહાળી ધન્ય થયા હતા.

માંડલ નગરમાં બિરાજમાન આદ્યશક્તિ શ્રી ખંભલાય માતાજીના મંદિરે આજે ચૈત્ર માસની ઉદિત સવારે એક અદભુત અને અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું. વર્ષમાં માત્ર એક જ વાર બનતી અત્યંત દુર્લભ ઘટના મુજબ, સૂર્યદેવના પ્રથમ પ્રભાત કિરણોએ માતાજીના ચરણો સ્પર્શીને સીધા તેમના લલાટ પર બિરાજમાન સૂર્યતિલકને પ્રજ્વલિત કર્યું હતું. આ મનોહર 'સૂર્ય અભિષેક' અથવા 'સૂર્યતિલક'નો લ્હાવો લેવા વહેલી સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

મંદિરના પૂજારી રાજભાઈ રાવલના જણાવ્યા અનુસાર, આ ઘટના પાછળ પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલા અને ખગોળશાનું ઊંડું જ્ઞાાન છુપાયેલું છે. મંદિરનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે ગર્ભગૃહમાં બિરાજમાન માતાજીનું મુખ પૂર્વ દિશા તરફ રહે. સૂર્યનારાયણ જ્યારે પોતાની ધરી પર પરિભ્રમણ કરતાં ચોક્કસ સ્થાન પર આવે છે, ત્યારે વર્ષના આ દિવસોમાં (ખાસ કરીને એપ્રિલ માસની શરૃઆતમાં) સવારે ૭થ૦૦ થી ૭થ૩૦ કલાકે તેમનું કિરણ સીધું ગર્ભગૃહમાં પ્રવેશે છે.

આજે સવારે આરતી સમયે, અંદાજે ૭ઃ૧૫ કલાકે, સૂર્યનું તેજસ્વી કિરણ માતાજીના લલાટ પર જડેલા રક્તવર્ણ (રૃબી) હીરાના તિલકની મધ્યમાં બરાબર આપાત થયું હતું. આ સમયે સમગ્ર ગર્ભગૃહ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠયું હતું. આરતીમાં ઉપસ્થિત ભક્તોએ આ નયનરમ્ય અને મનોહર દ્રશ્ય નજરે નિહાળ્યું હતું અને માતાજીના આ દિવ્ય સ્વરૃપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઘટના મંદિરોના નિર્માણમાં છુપાયેલી પ્રાચીન ખગોળીય ચોકસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.