Get The App

સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડોર જામ

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડોર જામ 1 - image

Surat BRTS Bus : સુરતની જાહેર પરિવહનની લાઇફ લાઇન ગણાતી BRTS સેવાને સોમવારે સોસીયો સર્કલ વિસ્તારમાં અચાનક બ્રેક લાગી હતી. રૂટ પર દોડી રહેલી એક બસ ટેકનિકલ ખામીના કારણે વચ્ચે જ બંધ પડી જતાં તેની પાછળ આવતી અન્ય છ બસો પણ કોરિડોરમાં અટવાઈ ગઈ હતી. પરિણામે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક મુસાફરોને રસ્તા પર જ રાહ જોવાની ફરજ પડી હતી. 

મળતી માહિતી મુજબ સોસીયો સર્કલ નજીક BRTS રૂટમાં દોડી રહેલી એક બસ અચાનક બંધ પડી ગઈ હતી. BRTS માટે અલગ કોરિડોર હોવાના કારણે પાછળથી આવતી બસોને આગળ નીકળવાનો કોઈ વિકલ્પ ન રહ્યો અને એક પછી એક કુલ 6 બસો લાંબા સમય સુધી અટવાઈ રહી હતી. ઘટનાના કારણે સમગ્ર રૂટ પર બસ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

બસો અટકી જતાં તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક મુસાફરોને પોતાના સ્થળ સુધી પહોંચવામાં મોડું થયું હતું, જ્યારે કેટલાક મુસાફરો બસમાંથી નીચે ઉતરીને રસ્તા પર જ ઊભા રહી અન્ય બસોની રાહ જોતા જોવા મળ્યા હતા.

જ્યારે પાછળથી બસ વ્યવહાર ધીમે ધીમે શરૂ થયો ત્યારે પહેલેથી જ ભીડના કારણે અન્ય બસોમાં મુસાફરોને ખીચોખીચ સ્થિતિમાં મુસાફરી કરવી પડી હતી. બેઠકો તો દૂર, ઉભા રહેવાની જગ્યા પણ મુશ્કેલથી મળી રહી હતી. ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એક જ બસની ખામીના કારણે આખા રૂટની ગતિ અટકી જતાં BRTS સેવાની કાર્યક્ષમતા અને ઇમરજન્સી મેનેજમેન્ટ અંગે પણ સવાલો ઉભા થયા છે.