સુરતનો ગણેશોત્સવ અનેક માટે બન્યો પાર્ટ ટાઈમ રોજગારી ઉભો કરવાનો ઉત્સવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Ganesh Utsav 2025 : સુરત શહેરમાં શરૂ થયેલો ગણેશોત્સવ ગણેશોત્સવની આસપાસના લોકો માટે પાર્ટ ટાઈમ રોજગારીનો ઉત્સવ બની રહ્યો છે. સુરતના વિવિધ વિસ્તારમાં ગણેશોત્સવ જામી રહ્યો છે અને મોટા મંડપમાં ભક્તોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે મંડપની આસપાસ રહેતા લોકો ખાણીપીણી કે અન્ય વસ્તુઓનું વેચાણ કરીને રોજગારી ઉભી કરી રહ્યાં છે.
સુરતમાં હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ અનેક નાના લોકો માટે આર્થિક ઉપાર્જનનો તહેવાર બની ગયો છે. હવે ગણેશજીના દર્શન માટેનો સમય પણ અનેક નાના વેપારીઓ માટે રોજગારીનો ઉત્સવ બની રહ્યો છે. સુરતમાં મુંબઈની જેમ ઝાકમઝોળ જેવા ગણેશોત્સવની ઉજવણી થાય છે. સુરતના મોટા ભાગના વિસ્તારમાં બાપ્પાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન લાગી રહી છે. સુરતમાં મોડી સાંજથી મોડી રાત સુધી અનેક મોટા ગણેશ મંડપમાં દર્શન કરવાની ભારે ભીડ જોવા મળી રહી છે.
તેમાં પણ સુરતના કોટ વિસ્તારમાં વિવિધ થીમ સાથે વિવિધ સ્વરૂપ ધરાવતી મોટી સંખ્યામાં ગણેશજીની સ્થાપના થઈ છે અને વિશાળકાય શ્રીજીની પ્રતિમાના દર્શન કરવા માટે લોકો લાંબી લાઈન લગાવી રહ્યાં છે. શહેરના મોટા ગણેશ મંડપ બહાર જ્યાં ભક્તોની દર્શનની ભીડ જામે છે તે મંડપ બહાર ખાણી-પીણીનું વેચાણ કરતા લોકો ટેબલ-ખુમચા લારી કે ઘરના ઓટલા પર ખાણી પીણીનું વેચાણ કરી સારી એવી આવક ઉભી કરી દે છે. અનેક લોકો તો એવા છે જેના ઘર નજીક મોટા ગણેશ મંડપ છે તેવા લોકો દિવસે નોકરી કરે છે અને સાંજથી મોડી રાત્રી સુધી પૂરો પરિવાર સાથે ખાણી પીણીનું વેચાણ કરી વધારાની આવક ઉભી કરવાનો પ્રયાસ કરે છે.
સ્વાદના શોખીન સુરતીઓના જીભના ચટાકાના કારણે સુરતના મોટા ગણેશ મંડપ બહાર અનેક ખાણી પીણીના લોકોને રોજગારી મળી રહી છે. તો બીજી તરફ કેટલાક લોકો બહારથી પણ આ ગણેશ મંડપ બહાર આવીને પોતાનો વેપાર ધંધો કરીને જાય છે. આમ સુરતમાં ચાલ ચાલી રહેલો ગણેશ ઉત્સવ નાના લોકો માટે હંગામી ધોરણે રોજગારીનો ઉત્સવ પણ બની રહ્યો છે.









