Gujarat

સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી

By GS TEAM
21 May 20262 mins read
TukuTouch Logo
આકરી ગરમીના દિવસોમાં જ્યારે સામાન્ય જનતા પાણીના એક-એક ટીપા માટે તરસી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા (SMC)ની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ઉધના ત્રણ રસ્તા વિસ્તારમાં માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત એ જ જગ્યાએ મુખ્ય પાણીની લાઈન તૂટી ગઈ છે. લાઈન ફાટવાના કારણે હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી જાહેર રસ્તાઓ પર નદીની જેમ વહી રહ્યું છે, જેના કારણે પાલિકાની કામગીરી અને સમારકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી

Water Line Breaks In Surat: આકરી ગરમીના દિવસોમાં જ્યારે સામાન્ય જનતા પાણીના એક-એક ટીપા માટે તરસી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા (SMC)ની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ઉધના ત્રણ રસ્તા વિસ્તારમાં માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત એ જ જગ્યાએ મુખ્ય પાણીની લાઈન તૂટી ગઈ છે. લાઈન ફાટવાના કારણે હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી જાહેર રસ્તાઓ પર નદીની જેમ વહી રહ્યું છે, જેના કારણે પાલિકાની કામગીરી અને સમારકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

વડાપ્રધાનની મુલાકાત વખતે પણ લાઈન તૂટી હતી

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગત નવેમ્બર મહિનામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પણ બરાબર આ જ ઉધના ત્રણ રસ્તા ખાતે પાણીની લાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું. તે સમયે પાલિકા તંત્રએ સળંગ ચાર દિવસ સુધી રીપેરિંગ ન કરતાં લાખો લીટર પાણી વેડફાયું હતું. હવે માત્ર સાત મહિના પછી એ જ સ્પોટ પર ફરીથી લાઈન તૂટતાં પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકોનો આક્ષેપ છે કે, જો સાત મહિના પહેલાં યોગ્ય ગુણવત્તા સાથે અને પ્રમાણિકતાથી કામ થયું હોત, તો વારંવાર એક જ જગ્યાએ ભંગાણ ન પડત. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે જ આ નબળી કામગીરી થઈ છે અને જનતાના ટેક્સના પૈસા પાણીમાં વહી રહ્યા છે.

પાલિકાની નબળી કામગીરીથી જનતાને ટ્રિપલ સજા

એક તરફ પાલિકા તંત્ર લોકોને 'પાણી બચાવો'ના મોટા-મોટા ઉપદેશો આપે છે, પણ બીજી તરફ પોતાની જ બેદરકારીથી રસ્તાઓ પાણી-પાણી થઈ રહ્યા છે. આ ઘટનાથી જનતાને ત્રણ ગણો માર પડી રહ્યો છે. આકરી ગરમીમાં એક તરફ ઘરોમાં પાણીની ડિમાન્ડ છે, ત્યારે બીજી તરફ શુદ્ધ પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. ઉધના રોડ સુરતનો મુખ્ય માર્ગ હોવાથી રસ્તા પર પાણી ભરાવાને કારણે હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા છે. પાણીના સતત પ્રવાહ અને કાદવ-કીચડને કારણે રસ્તા પર સ્લિપ થવાથી અકસ્માત થવાની ભીતિ વધી ગઈ છે.

ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માંગ

વારંવાર થતા આ ભંગાણને પગલે હવે સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી રહી છે. નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તો જ આવી બેદરકારી અટકશે, તેમ લોકોનું કહેવું છે.