સુરત: કાકરાપાર ડેમમાં ડૂબવાથી એક જ પરિવારના 4 પિતરાઈ ભાઈઓના મોત, એકને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ગરકાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Four Friends Drown in Kakrapar Dam Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાકલ ગામમાં કરાપાર ડેમ ખાતે પશુઓને પાણી પીવડાવવા ગયેલા એક ભાઈને ડૂબતો બચાવવા જતાં અન્ય ત્રણ ભાઈઓએ પણ ડૂબ્યા હતા. એક જ પરિવારના ચાર નવયુવાનોના મોતથી ચૌધરી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પશુઓને પાણી પીવડાવવા જતાં સર્જાઈ હોનારત
માંડવી પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના 11 મેના રોજ બપોરના સમયે બની હતી. વાકલ ગામનો એક યુવાન પશુઓને પાણી પીવડાવવા કાકરાપાર ડેમના હેઠવાસના ભાગમાં ગયો હતો, જ્યાં અચાનક પગ લપસતા તે ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા, પરિવારના અન્ય ત્રણ ભાઈઓ તેને શોધવા ડેમ પર પહોંચ્યા હતા. કિનારે કપડાં જોઈ ભાઈ પાણીમાં હોવાનો અંદાજ આવતા, ત્રણેય ભાઈઓ એક પછી એક તેને બચાવવા કૂદી પડ્યા હતા. પરંતુ પાણીના તેજ પ્રવાહ અને ઊંડાઈમાં ચારેય ભાઈઓ ડૂબી ગયા હતા.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સાહિલ જિતેન્દ્ર ચૌધરી, કોશિક જિતેન્દ્ર ચૌધરી, ગણેશ નાનસિંગ ચૌધરી અને પ્રવીણ બાલુ ચૌધરી વાકલ ગામના ચૌધરી પરિવારના પિતરાઈ ભાઈઓ છે.
તરવૈયાઓની કલાકોની જહેમત બાદ મૃતદેહો મળ્યા
ઘટનાની જાણ થતા જ માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગત સાંજે અંધારાને કારણે શોધખોળ અટકાવવી પડી હતી, પરંતુ આજે (12મી મે) વહેલી સવારથી ફરી ઓપરેશન શરૂ કરાયું હતું. નગરપાલિકાના તરવૈયાઓની કલાકોની જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
વાકલ ગામમાં શોકનું મોજું
એક જ પરિવારના ચાર કમાઉ દીકરાઓના અકાળે અવસાનથી સમગ્ર વાકલ ગામમાં અને ચૌધરી સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભાઈને બચાવવાની હિંમત આખા પરિવાર માટે કાળમુખી સાબિત થઈ છે. પોલીસે આ મામેલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








