Gujarat

ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત

By GS TEAM
29 Nov 20251 min read
TukuTouch Logo
સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી શરૂ થાય તે પહેલાં જ એક અત્યંત દુખદ અને ગોઝારી ઘટના બની છે. પતંગ પકડવાની ઘેલછામાં 12 વર્ષના એક કિશોર પર જૂની દીવાલ ધસી પડતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરાયણ પહેલાં જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દીવાલ પડતાં મોત

Surat Crime News: સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી શરૂ થાય તે પહેલાં જ એક અત્યંત દુખદ અને ગોઝારી ઘટના બની છે. પતંગ પકડવાની ઘેલછામાં 12 વર્ષના એક કિશોર પર જૂની દીવાલ ધસી પડતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત વિસ્તારમાં સંગમની બાજુમાં આવેલા એક નાના મેદાન નજીક આ દુર્ઘટના બની હતી. મૃતક કિશોરની ઓળખ મોહમ્મદ ફૈઝાન (ઉંમર આશરે 12 વર્ષ) તરીકે થઈ છે. ફૈઝાન નજીકમાં આવેલા મેદાનમાં પતંગ પકડવા માટે ગયો હતો, જ્યાં અત્યંત જૂની અને જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલનો એક મોટો અને વજનદાર હિસ્સો સીધો ફૈઝાનની છાતીના ભાગે પડ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 

ધડાકાભેર દીવાલ પડવાનો અવાજ આવતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ દીવાલના કાટમાળ નીચે દબાયેલા કિશોરને બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે તુરંત હોસ્પિટલ ખસેડ્યો હતો.

હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કિશોરને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. જાણવા મળ્યા મુજબ, મૃતક મોહમ્મદ ફૈઝાન તેના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. ઘરના સૌથી નાના લાડકવાયા દીકરાના અકાળે અવસાનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. ઉત્તરાયણ પૂર્વે જ બનેલી આ ઘટના લાલબત્તી સમાન છે.