Gujarat

સુરત: કતારગામ અને લિંબાયત કરતાં રાંદેર ઝોનમાં સપ્તાહમાં ત્રણ ગણા કેસ વધ્યા

By GS Team
27 Jul 20202 mins read
This article was originally published on 27 Jul 2020
સુરત: કતારગામ અને લિંબાયત કરતાં રાંદેર ઝોનમાં સપ્તાહમાં ત્રણ ગણા કેસ વધ્યા

સંપુર્ણ રહેણાંક અને વિકસિત કહેવાતા રાંદેર અને અઠવા ઝોનમાં કેસ વધ્યાઃ સ્લમ અને ગીચ વસ્તીવાળા લિંબાયત અને કતારગામમાં કેસમાં ઘટાડો

સુરત, તા. 27 જુલાઈ 2020 સોમવાર

સુરતમાં કોરોના માટે સૌથી વધુ સંક્રમિત ગણાતા લિંબાયત અને કતારગામ ઝોનમાં છેલ્લા સાત દિવસમાં પોઝીટીવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેનાથી વિપરિત સંપુર્ણ રહેણાંક અને વિકસિત કહેવાતા રાંદેર અને અઠવા ઝોનમાં કોરોનાનું સંક્રમણ અનેક ગણું વધી રહ્યું છે. 

છેલ્લા એક અઠવાડિયાના કોરોનાના આંકડા જોવામાં આવે તો લિંબાયત અને કતારગામ કરતાં રાંદેર ઝોનમા ત્રણ ગણાં કેસ વધ્યા છે. જ્યારે અઠવા ઝોનમાં પણ કેસમાં ખાસ્સો વધારો નોંધાયો છે. 

સુરતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યાર બાદ લિંબાયત ઝોન કોરોના માટે હોટ સ્પોટ બની ગયો છે. ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી કતારગામ ઝોન સૌથી વધુ  સંક્રમિત ઝોન બની જતાં કતારગામ ઝોનમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા બે હજારને પાર કરી ગઈ છે. પરંતુ છેલ્લા એક સપ્તાહના મ્યુનિ.ના આંકડા જોવામાં આવે તો કતારગામ અને લિંબાયત ઝોનમાં સંક્રમણ અચાનક ઘઠી ગયું છે અને રાંદેર તથા અઠવા ઝોનમાં સંક્રમણની માત્રામાં વધારો થયો છે.

20થી 26 જુલાઈ વચ્ચે કતારગામ ઝોનમાં 168 અને લિંબાયત ઝોનમાં 100 કોરોના પોઝીટીવ કેસ છે જ્યારે સૌથી વધુ રહેણાંક વિસ્તાર ધરાવતાં રાંદેર ઝોનમાં સાત દિવસમાં કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા 318 થઈ ગઈ છે. આ ઉપરાંત સુરત મ્યુનિ.નું મોડલ ઝોન તરીકે ગણના થાય છે તેવા અઠવા ઝોનમાં સાત દિવસમામં 245 કેસ નોંધાયા છે. 

છેલ્લા સાત દિવસથી મ્યુનિ.નો રાંદેર ઝોન હોટ સ્ટોપ બની રહ્યો છે જે મ્યુનિ. તંત્ર અને રાંદેર ઝોનમાં રહેતાં લોકો માટે ચિંતાનો વિષય છે. રહેણાંક સોસાયટીમાં કોરોના પોઝીટીવ દર્દી હોવા છતાં સાઈન બોર્ડ ન મુકાતા સંક્રમણ વધી રહ્યું છે. 

આ ઉપરાંત આ વિસ્તારમાં પોઝીટીવ દર્દી આવ્યા બાદ સોસાયટી સેનેટાઈઝ કરવાની કામગીરી પણ લગભગ બૂંધ જેવી જ થઈ ગઈ છે. રાંદેર અને અઠવા ઝોન હાલ કોરોના માટે હોટ સ્પોટ બની રહ્યાં છે. તેથી મ્યુનિ. તંત્ર ખાસ કાળજી લેવા માટે આયોજન કરી રહી છે પરંતુ તેમાં સંક્રમણ ઘટવાના બદલે વધી રહ્યું છે.