Get The App

CCTV: સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું, હચમચાવી મૂકતો વીડિયો વાઈરલ

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
CCTV: સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું, હચમચાવી મૂકતો વીડિયો વાઈરલ 1 - image

Surat Stray Dog Attack CCTV: સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે માત્ર સોસાયટીઓ કે જાહેર બગીચાઓ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ હજારો લોકોની ભીડથી ધમધમતી ટેક્સટાઇલ માર્કેટો સુધી પહોંચી ગયો છે. શહેરના રિંગરોડ પર આવેલી તિરુપતિ માર્કેટમાં એક માસૂમ બાળક પર શ્વાનના ટોળાએ કરેલા હુમલાના સીસીટીવી (CCTV) સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આ હચમચાવી મૂકે તેવી ઘટનાને પગલે વેપારીઓ અને મુલાકાતીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો છે.

માતાની નજર ચૂકવી ત્રણ શ્વાને બાળકને જમીન પર ઢસડ્યો

મળતી માહિતી અનુસાર, સુરતના રિંગરોડ તિરુપતિ માર્કેટમાં ખરીદી માટે આવેલી એક મહિલા પોતાના માસૂમ બાળક સાથે પસાર થઈ રહી હતી. તે દરમિયાન મહિલાનું ધ્યાન બાળક પરથી થોડી ક્ષણો માટે હટતાં જ ત્યાં રખડતા ત્રણ શ્વાન બાળક પર તૂટી પડ્યા હતા. એકપછી એક શ્વાનોએ માસૂમ બાળકને ઘેરીને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું અને તેને રસ્તા પર ઢસડ્યો હતો. બાળકની માતાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને શ્વાનના મોંમાંથી બાળકને માંડ-માંડ છોડાવી લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ભેગો કર્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરા? પાલનપોર લેક ગાર્ડનમાં 25થી વધુ શ્વાનનો જમાવડો, 'ડૉગ ફ્રી ઝોન' બનાવવા માગ

પાલિકાની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો

ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનું કહેવું છે કે રોજ કરોડો રૂપિયાના વેપાર અને હજારો લોકોની અવરજવર વાળા આ સુરક્ષિત ઝોનમાં કૂતરાઓનો જમાવડો મુલાકાતીઓ માટે મોટી આફત સમાન છે. તહેવારો અને જાહેર સ્થળો પર વધી રહેલા હુમલા બાદ સુરત મહાનગરપાલિકા (SMC)ની શ્વાન નિયંત્રણ કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકો અને વેપારી સંગઠનો દ્વારા આ રખડતા શ્વાનોના ત્રાસને કડકાઈથી ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવાની માંગ કરવામાં આવી રહી છે.

સુરતના બગીચાઓ પણ અસુરક્ષિત બન્યા

જાહેર સ્થળો પર શ્વાનનો ત્રાસ કઈ હદે વધી ગયો છે તેના ઉદાહરણો છેલ્લા બે દિવસમાં જ સામે આવ્યા છે. બે દિવસ પહેલાં પાલિકાના આ ગાર્ડનમાં મુલાકાતીના બાળક પર શ્વાને હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ જાહેર બગીચામાં પણ શ્વાનોના આખેઆખા ઝૂંડ જોવા મળતા મુલાકાતીઓ ગભરાઈ રહ્યા છે.

રામપુરામાં ઈદના 3 બકરાને મોતને ઘાટ ઉતાર્યા

શહેરમાં રખડતા શ્વાન એટલા હિંસક બન્યા છે કે હવે તેઓ પશુઓનો પણ શિકાર કરી રહ્યા છે. રામપુરા વિસ્તારમાં રહેતો એક પરિવાર ઈદની કુરબાની માટે બકરા લાવ્યો હતો. રાત્રિના સમયે રખડતા શ્વાનોના ટોળાએ વાડામાં બાંધેલા બકરા પર હુમલો કરી દીધો હતો અને ત્રણ બકરાને ફાડી ખાતા તેના મોત થયા હતા.