Get The App

સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરા? પાલનપોર લેક ગાર્ડનમાં 25થી વધુ શ્વાનનો જમાવડો, 'ડૉગ ફ્રી ઝોન' બનાવવા માગ

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરા? પાલનપોર લેક ગાર્ડનમાં 25થી વધુ શ્વાનનો જમાવડો, 'ડૉગ ફ્રી ઝોન' બનાવવા માગ 1 - image


Stray Dog Menace In Surat: જાહેર સ્થળોએ રખડતા શ્વાનને દૂર કરવા સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી હવે શહેરના લોકો માટે ગંભીર જોખમ બની રહી છે. રહેણાંક વિસ્તાર તો ઠીક પરંતુ હવે પાલિકાના ગાર્ડન અને જાહેર સ્થળો પણ રખડતા શ્વાનના અડ્ડા બની ગયા છે. સુરતના અનેક વિસ્તારોમાં ગાર્ડન, શાળા નજીકના રસ્તા અને રહેણાંક સોસાયટી વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્વાન જોવા મળે છે. બીજી તરફ, શ્વાનના હુમલાની ઘટના બનતી રહે છે, ત્યારે લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. જેના કારણે મોર્નિંગ વોકમાં આવતા લોકોને હેલ્થની ચિંતા ઓછી પણ 'ડૉગ બાઈટ'થી બચવાનો ડર સતાવી રહ્યો છે. તેમાં પણ પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં તો 25 થી 30 શ્વાનના ઝૂંડ હોવાના કારણે મુલાકાતીઓ ગાર્ડનમાં આવતા પણ ડરી રહ્યાં છે. 

સુરતમાં રખડતા શ્વાનના આતંકથી લોકોમાં રોષ

સ્થાનિકોનું કહેવું છે કે, સુરત પાલિકામાં દિવસેને દિવસે શ્વાનોના વધતા જતા ત્રાસ સામે પાલિકા કોઈ કામગીરી કરતી નથી તેના કારણે ગઈકાલે ઘોડદોડ રોડના એક ગાર્ડનમાં 8 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન શહેરના અન્ય ગાર્ડનમાંથી રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરાવવા માટેની માંગણી આક્રમક બની રહી છે. તેમાં પણ પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર લેક ગાર્ડન તો પાલિકાની ગંભીર બેદરકારીને કારણે રખડતા શ્વાનનો અડ્ડો બની ગયો છે. 

આ પણ વાંચો: ભાવનગરમાં ગોઝારી ઘટના: તળાજાના સરતાનપર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા, બેના મોત

શ્વાનના હુમલાની ફરિયાદ કરતાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ગાર્ડનમાં મોટી સંખ્યામાં શ્વાનના કારણે મુલાકાતીઓ, મોર્નિંગ વૉક કે રનિંગ કરવા આવતા લોકોમાં શ્વાનના હુમલાનો ભય રહે છે. પાલિકાના ગાર્ડનના ટ્રેક પર રનિંગ કે વૉકિંગ દરમિયાન જો ભૂલથી પણ શ્વાન પર પગ આવી જાય તો તેના કરડવાનો ડર રહે છે. 

ભૂતકાળમાં રખડતા શ્વાનોએ નાના બાળકોને ફાડી ખાધા હોવાની ઘટનાઓ ફરીથી ન બને અને ગાર્ડનમાંથી શ્વાનના ઝૂંડને દૂર કરવા માટે સ્થાનિકોએ પાલિકાના ગાર્ડનને 'ડૉગ ફ્રી ઝોન' બનાવવાની માંગણી કરી છે.