Get The App

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં 1 - image

Surat Corporation : સુરતમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાખી છે. પાંડેસરામાં સિટી બસ ભુવામાં ખાબકી અને ડિંડોલીમાં રસ્તો ધસી પડતાં વાહન ફસાવાની ગંભીર ઘટના બની હતી. આશ્ચર્યની વાત એ છે કે શહેરમાં આટલી ગંભીર ઘટના બન્યા બાદ પણ મેયર અને મનપાના પદાધિકારીઓ તેની જાણ લગભગ ત્રણ કલાક સુધી કરવામાં આવી નહોતી. ગંભીરતાને ધ્યાનમાં લઈ મેયરની અધ્યક્ષતામાં સોમવારે સાંજે તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં અધિકારીઓને કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી હતી કે શહેરમાં બનતી કોઈપણ ગંભીર ઘટનાની માહિતી તરત જ પદાધિકારીઓ સુધી પહોંચાડવામાં આવે અને ઝોન-વિભાગ વચ્ચે જવાબદારી ઢોળવાની પ્રથા બંધ કરવામાં આવે. સુરતમાં પહેલા વરસાદે જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલવા સાથે ઝોન અને વિભાગ વચ્ચે સંકલન ન હોવાથી પ્રજા હેરાન થતી હોવાનું બહાર આવતા મેયર માયા માવાણીએ તાકીદની એક બેઠક સોમવારે સાંજે બોલાવી હતી. બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ, ઝોનલ ચીફ અને સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન શાસકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે શહેરમાં બનતી ગંભીર ઘટનાની જાણ સમયસર ન થવી એ ગંભીર બેદરકારી છે અને ભવિષ્યમાં આવી સ્થિતિ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે અધિકારીઓને આકરા શબ્દોમાં સંબોધતા જણાવ્યું હતું કે રસ્તા ધસી પડવા, ખાડા પડવા કે અન્ય સમસ્યાઓ સર્જાય ત્યારે ઝોન અને વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળવાની વૃત્તિ અપનાવે છે. જેના કારણે માત્ર કામગીરી જ પ્રભાવિત થતા નથી પરંતુ પાલિકાની છબી પણ ખરડાઈ રહી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે,  ઝોન અને વિભાગ વચ્ચે ખો-ખોની રમત રમવાથી પાલિકાનું ખરાબ દેખાય છે. હવે આ વલણ બંધ કરવું પડશે. દરેક વિભાગે સંકલન સાથે જવાબદારીપૂર્વક કામગીરી કરવી પડશે.

બેઠકમાં તમામ ઝોનલ ચીફ, રોડ વિભાગ, ડ્રેનેજ વિભાગ, હાઇડ્રોલિક વિભાગ અને સંબંધિત અધિકારીઓને આગામી 48 કલાકમાં શહેરના મુખ્ય માર્ગો, તાજેતરમાં રિપેર કરાયેલા રસ્તા અને ખોદકામ બાદ પુનઃ નિર્માણ કરાયેલા માર્ગોનું સ્થળ નિરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાં રસ્તા બેસી ગયા હોય, ખાડા પડ્યા હોય અથવા વરસાદને કારણે નુકસાન થયું હોય તેવા તમામ સ્થળોએ તાત્કાલિક સમારકામ હાથ ધરવાની સૂચના પણ આપવામાં આવી હતી. ઉપરાંત શાસકોએ સ્પષ્ટ કર્યું હતું કે ખોદકામ બાદ યોગ્ય પુરાણ, કોમ્પેક્શન અને ગુણવત્તા નિયંત્રણ નહીં રાખવામાં આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

 શાસકોની બેઠકમાં શહેરમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન સર્જાતી તમામ ઘટનાઓની માહિતી તાત્કાલિક પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૂંટાયેલા કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે ઝડપી સંકલન માટે વિશેષ ગ્રુપ રચવાની ચર્ચા પણ કરવામાં આવી હતી.