Gujarat

સુરત રેલવે સ્ટેશન પર મંડપ બંધાયા: હોળીમાં વતન જતા મુસાફરોને ગરમીથી મળશે રાહત, ભીડને કાબૂ કરવા તંત્ર તૈયાર

By GS TEAM
23 Feb 20262 mins read
TukuTouch Logo
હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે સુરતથી વતન જતા પરપ્રાંતીય મુસાફરોનો પ્રવાહ તેજ બન્યો છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ઉમટી રહેલી જનમેદનીને ધ્યાને રાખીને રેલવે તંત્રએ આ વખતે 'પેસેન્જર ફ્રેન્ડલી' અભિગમ અપનાવ્યો છે. કાળઝાળ ગરમીમાં મુસાફરોને શેકાવું ન પડે તે માટે સ્ટેશન પરિસરમાં વિશાળ મંડપો બાંધવામાં આવ્યા છે, જેના કારણે ભીડનું વ્યવસ્થાપન પણ સરળ બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત રેલવે સ્ટેશન પર મંડપ બંધાયા: હોળીમાં વતન જતા મુસાફરોને ગરમીથી મળશે રાહત, ભીડને કાબૂ કરવા તંત્ર તૈયાર

Surat Udhna Railway Station: હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે સુરતથી વતન જતા પરપ્રાંતીય મુસાફરોનો પ્રવાહ તેજ બન્યો છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ઉમટી રહેલી જનમેદનીને ધ્યાને રાખીને રેલવે તંત્રએ આ વખતે 'પેસેન્જર ફ્રેન્ડલી' અભિગમ અપનાવ્યો છે. કાળઝાળ ગરમીમાં મુસાફરોને શેકાવું ન પડે તે માટે સ્ટેશન પરિસરમાં વિશાળ મંડપો બાંધવામાં આવ્યા છે, જેના કારણે ભીડનું વ્યવસ્થાપન પણ સરળ બન્યું છે.

ભીડને નિયંત્રિત કરવા વહીવટી તંત્ર સજ્જ

મળતી માહિતી અનુસાર, ર ગતરોજથી જ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોને તડકામાં ઉભા ન રહેવું પડે તે માટે રેલવે દ્વારા શેડ અને મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે સ્ટેશનના પ્લેટફોર્મ પર સીધી ભીડ થવાને બદલે મુસાફરોને મંડપમાં ક્રમશઃ રાખવામાં આવે છે, જ્યાંથી તેમને ટ્રેન દીઠ રવાના કરવામાં આવે છે.

આ પણ વાંચો: મેટ્રો સિટી અમદાવાદ ગુનાખોરીનું હોટસ્પોટ, પોલીસ સામે પડકાર, દર મહિને સરેરાશ 25 દુષ્કર્મના કેસ

ખાખીનો કડક પહેરો 

કોઈ પણ અપ્રિય ઘટના ન બને અને મુસાફરો સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે તે માટે સ્ટેશન પર સુરક્ષા એજન્સીઓ ખડેપગે છે. રેલવે સુરક્ષા દળ (RPF) ના 50 જવાનો અને જીઆરપી (GRP) ના 40 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. 30 જેટલા ચેકિંગ સ્ટાફના સભ્યો ભીડના વ્યવસ્થાપનમાં મદદ કરી રહ્યા છે. જનરલ ટિકિટ ધારકો માટે ખાસ 'લાઈનબંધી' પદ્ધતિ અમલમાં મુકાઈ છે. દરેક મુસાફરને લાઈનમાં ઉભા રાખી ટ્રેનમાં બેસાડવામાં આવતા પ્લેટફોર્મ પર થતી ધક્કામુક્કી અને અફરાતફરીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

સુખદ મુસાફરી માટે પાયાની સુવિધાઓ

વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી અને પ્રાથમિક ચિકિત્સાની સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. રેલવે અધિકારીઓ સતત એનાઉન્સમેન્ટ દ્વારા મુસાફરોને માર્ગદર્શન આપી રહ્યા છે. તંત્રની આ આગોતરી તૈયારીઓને કારણે લાખોની સંખ્યામાં વતન જતા મુસાફરો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.