સુરતમાં વોટ્સએપથી ચાલતું હાઇ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, 13 વિદેશી મહિલાની અટકાયત, 22ની ધરપકડ
Surat Crime: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પાર્ક પેવેલિયન નામની એક હોટલમાં ચાલતા હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે રવિવારે (14 સપ્ટેમ્બર) બાતમીના આધારે આ હોટલમાં દરોડા પાડ્યા હતા, જેમાં 13 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય 9 પુરૂષો સહિત કુલ 22 લોકોની ધરપકડ કરાઈ છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સુરત પોલીસને જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળી હતી. પોલીસ જ્યારે દરોડા પાડવા હોટલના ચોથા માળે પહોંચી ત્યારે દરવાજો બંધ હતો. પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ, અંદરથી કોઈએ જવાબ ન આપ્યો. બાદમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હોટલનો દરવાજો તોડી નાંખ્યો. દરવાજો તોડતા જાણ થઈ કે, ત્યાં એક હોલ હતો, જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. તેની બાજુના પેસેજમાં રૂમ નંબર 403માં 7 લોકો મળી આવ્યા હતા. અને રૂમ નંબર 407માંથી 9 વિદેશી મહિલાઓ મળી આવી હતી.
કેવી રીતે ચાલતું આખું રેકેટ?
દરોડા દરમિયાન પોલીસે હોટલના મેનેજર રૂપેશ ઉર્ફે મેકિસી રમેશ મિશ્રા, બિપીન ઉર્ફે બંટી બાબરીયા અને હાઉસકીપર સંજય હિંગડે અને રાહુલ સોલંકીની ધરપકડ કરી છે. જેમાંથી રૂપેશે કબૂલાત કરી કે, તે યુવતીઓને શરીર સુખ માણવા માટે મોકલતો હતો. આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તૂરે છે, જે હોટલના ખર્ચ અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે. આખુંય રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલે છે. યોગેશ દિલીપ તાલેકર નામનો વ્યક્તિ બેન્ક ખાતામાં ગ્રાહકો પાસેથી પેમેન્ટ લેવાનું કામ કરતો. તેમજ અશોક મામા નામનો ડ્રાઇવર મહિલાઓ લાવવા- લઈ જવાનું કામ કરતો હતો. ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માણવાના 3500 રૂપિયા લેવામાં આવતા. જેમાંથી 2000 કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો અને મહિલાઓને 1500 રૂપિયા ચૂકવવામાં આવતા.
આ પણ વાંચોઃ વડોદરા: ટ્રાન્સપોર્ટેશનની બોગસ કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની સાથે રૂ.79.45 લાખની ઠગાઈ
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે આ મામલે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ, 1956ની કલમ 3, 4, 5, 7 અને ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 144(2) અને 54 હેઠળ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલ વિદેશી મહિલાઓની પૂછપરછ કરી રહી છે. આ મામલે હજુ નવા ખુલાસા થવાની આશંકા છે.