વડોદરા: ટ્રાન્સપોર્ટેશનની બોગસ કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની સાથે રૂ.79.45 લાખની ઠગાઈ
ટ્રાન્સપોર્ટેશનની કોઈપણ સુવિધા પૂરી પાડી ન હોવા છતાં કંપનીના એજન્ટ સહિત બે શખ્સોએ બનાવટી કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની પાસેથી નાણાં મેળવી કુલ રૂ. 79.45 લાખની ઠગાઈ અંગે ફરિયાદના આધારે અકોટા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતલપુર રોડ ખાતે રહેતા અને જે.એચ પરબિયા ટ્રાન્સપોર્ટ સંચાલક ઝર્કસીસ પરબિયાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારી કંપની ઓવર ડાયમેન્સનલ ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતી હોય ગ્રાહક કંપની ઓર્ડર આપે ત્યારે અમારી કંપનીનું ટ્રેલર ટ્રક ડ્રાઇવર અને ક્લીનર સાથે મોકલી આપીએ છીએ. ત્યારબાદ મટીરીયલ પરિવહનની પહોંચ હિતેશ બાબુભાઈ કટારીયા(રહે- વસંતવાડી, થાણે ,મહારાષ્ટ્ર) ને જમા થતા બિલ જનરેટ થયા બાદ કંપનીને બિલની રકમ મળતી હોય છે. હિતેશ કટારીયા એસએનઆર લોજિસ્ટિક તથા નવદુર્ગા ટ્રાન્સપોર્ટ નામની કંપની ધરાવે છે. તેમની પાસેથી અમે ટ્રક ટ્રેલરની સેવાઓ મેળવતા હતા. વર્ષ 2023માં હિતેશ કટારીયા તેમની સાથે ભાવેશ વિઠ્ઠલદાસ ભાનુશાળી (રહે લક્ષ્મી સદન શિવાજી નગર થાણે મહારાષ્ટ્ર)ને લઈ આવતા ભાવેશભાઈને કામ પર રાખ્યા હતા. અને ભાવેશભાઈને માલ સામાનનું પરિવહન સમયસર થાય અને રીસીપ્ટથી માંડીને મટીરીયલ્સ સમયસર લોડિંગ થાય તે તમામ કામગીરીમાં હિતેશભાઈને મદદ કરવાનું કામ સોપ્યું હતું. ત્યારબાદ ભાવેશે કંપનીની પરવાનગી વિના આદેશ રોડ કેરિયર તથા મહાવીર લોજિસ્ટિક નામથી ટ્રાન્સપોર્ટેશનની પેઢીઓ બનાવી હતી. જ્યારે હિતેશ કટારીયા અમારી કંપની સાથે પ્રતિનિધિ તરીકે કામ કરવા માટે તૈયાર થયા હતા. હિતેશ કટારીયા દ્વારા અમને આપવામાં આવેલી કન્સાઈમેન્ટ નોટમાં ગ્રાહક કંપનીઓને અમારી કંપનીએ પૂરી પાડેલ ટ્રાન્સપોર્ટેશનની સેવાઓના બદલામાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ અમારી કંપનીને મોકલી આપવા જણાવતા જે તે કંપની દ્વારા કન્સાઈમેન્ટ નોટમાં દર્શાવેલી કોઈપણ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી ન હોવાની જાણ થઈ હતી. કુલ 390 વ્યવહારોની કન્સાઈમેન્ટ નોટ અમારી કંપનીને મોકલેલી તે પૈકી કેટલીક બોગસ કન્સાઈમેન્ટ નોટ તથા ઈ વે બિલ મોકલી તેના રૂ. 54.45 લાખની રકમ જે તે ગ્રાહકને માલ પરિવહન કર્યા વિના મેળવી હતી. આ ઉપરાંત હિતેશ કટારીયાએ તેની મુંબઈ ખાતેની ઓફિસના રિનોવેશન માટે હાથ ઉછીના રૂ. 25 લાખ મેળવ્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.