વડોદરા: દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક સાથે રૂ. 1.95 કરોડની છેતરપિંડી
દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક પાસેથી રૂ. 1.95 કરોડ ઉપરાંતની રકમ ખંખેરી ઓનલાઇન ચીટીંગનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનએ નોંધાયો હતો. ભેજાબાજોએ શરૂઆતમાં ટ્રાવેલ્સ સંચાલકને સફળ પેકેજ સાથે કમિશન આપી વિશ્વાસ કેળવ્યો હતો.
કલાલી વિસ્તારમાં રહેતા કવિતાબેન રાચ્છ ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 5 માર્ચના રોજ ઇન્નાટોશ હોલીડે ઈમેઈલ થકી મને સામેવાળી વ્યક્તિએ એસટીએચ જર્ની સોલ્યુશન પ્રા.લિ. હોવાની ઓળખ આપી વિવિધ પેકેજ બાબતે જણાવ્યું હતું. તેઓએ અમારા ગ્રાહકોનું કમિશન અમને મોકલી આપી વિશ્વાસ કેળવ્યો હતો. તેઓની સાથે વિવિધ ફ્લાઈટ, હોટેલ બુકિંગનો વેપાર સફળ રહ્યો હતો. ગત તા.5 મેના રોજ અમને દુબઈ પેકેજ રૂ 85,500નો ઈમેલ મળ્યો હતો. જેમાં 30 લોકોના ગ્રુપે પેકેજ બુક કરાવ્યું હતું. જે પાછળથી વધીને 64 લોકો માટેનું પેકેજ થયું હતું. આ ઉપરાંત વિયેતનામ માટેનું રૂ. 91,500નું દિવાળી પેકેજ રાજકોટના બીજા એક ગ્રુપને આપ્યું હતું. ત્યારબાદ મોકલેલી દુબઈ પેકેજ માટેના ફ્લાઇટની ટિકિટ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. અબુધાબીના પેકેજમાં કોઈ સુવિધા ન આપી રિટર્ન ટિકિટ આપી ન હતી. આમ, ઈમેલ તથા વોટ્સએપ થકી સફળ બુકિંગ કરી વિશ્વાસમાં લઈ ત્યારબાદ દુબઈ તથા વિયેતનામના પેકેજ માટે ફ્લાઇટની બોગસ ટિકિટ આપી પેકેજ બુકિંગ કરવાના બહાને રૂ. 80.36 લાખ બેંક મારફતે, રૂ. 10.51 લાખ ઓનલાઇન તથા રૂ.1,04,47,450 આંગડિયા મારફતે ટ્રાન્સફર કરાવડાવી ગુનાહિત કાવતરું રચી કુલ રૂ. 1,95,34,450ની ઠગાઈ આચરી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ભેજાબાજો વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી ,ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમન્ડમેન્ટ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.