Gujarat

વિકાસના પોકળ બણગાં સાથે ભાજપ શાસકોના રાજમાં સુરત ’ખાડા સિટી’ બની ગયું છે : વિપક્ષ

By GS TEAM
12 Sep 20251 min read
TukuTouch Logo
મોડે મોડે જાગેલા વિપક્ષે 'ખાડા ચારેકોર છે, ભાજપવાળા ચોર'ના નારા સાથે કાઢી પદયાત્રા

Summarized by AI; it may make mistakes. Check important info

વિકાસના પોકળ બણગાં સાથે ભાજપ શાસકોના રાજમાં સુરત ’ખાડા સિટી’ બની ગયું છે : વિપક્ષ

Surat : સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ખાડાની મોકાણ શરુ થઈ છે અત્યાર સુધી પત્ર લખી કે સોશિયલ મીડિયા પર વિરોધ કરનારા વિપક્ષ હવે રસ્તા પર ઉતર્યું છે. મોડે મોડે જાગેલા વિપક્ષે ખાડા ચારેકોર છે, ભાજપવાળા ચોરના નારા સાથે પદયાત્રા કાઢી અને ભાજપ શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. 

સુરત શહેરમાં દર વર્ષ કરતા આ વર્ષે રસ્તા તુટવાની સમસ્યા વધી ગઈ છે અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં પાલિકાના વિપક્ષે ગણ્યા ગાંઠ્યા વિરોધ કર્યો હતો પરંતુ સોશિયલ મીડિયા કે પાલિકામાં પત્ર લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે પાલિકાની ટર્મ પુરી થવા આડે ગણતરીના મહિના બાકી છે ત્યારે પાલિકનો વિપક્ષ વધુ સક્રિય થયો છે. વિપક્ષના પૂર્વ નેતા ધર્મેશ ભંડેરી હવે શહેર પ્રમુખ બન્યા છે તેથી તેઓએ વિપક્ષી નેતા અને અન્ય નેતાઓ સાથે ખાડા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, ભ્રષ્ટ ભાજપના રાજમાં સુરત ’સ્માર્ટ સિટી’ ફક્ત નામનું જ રહ્યું છે, સુરત ’ખાડા સિટી’ બની ગયું છે. ભાજપ શાસકોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને સુરતને નર્કાગારમાં ધકેલી દીધું છે. ભાજપ શાસકો વિકાસના પોકળ બણગાં ફૂંકે છે. સુરતમાં ફક્ત ખાડા સામ્રાજ્ય છે. સુરતનો એક પણ રોડ એવો નહીં હોય જ્યાં ખાડા જોવા ન મળે. આવા આક્ષેપ સાથે વિપક્ષે પાટિયાથી સહારા દરવાજા સુધી પદયાત્રા કાઢી હતી.