Surat News: સુરતના પુણા વિસ્તારની એક યુવતી ઓનલાઈન ગેમ 'ફ્રી ફાયર' અને 'પબજી' રમવાની શોખીન હતી. આ ગેમ રમતી વખતે તેની મુલાકાત કેરલમના વતની હિશામ મુનીર નામના યુવક સાથે થઈ હતી. ગેમ રમતા-રમતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીમે-ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતીને લગ્નનો વિશ્વાસ અપાવ્યો હતો.
વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા
પ્રેમ સંબંધ બાંધ્યા બાદ યુવતી કેરલમ ખાતે પીજીમાં રહેવા માટે જઇ રહી હતી. આ દરમિયાન આરોપી હિશામ મુનીરે તેને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સતત શોષણને કારણે યુવતી ગર્ભવતી બની હતી. જેવી યુવતીએ ગર્ભવતી હોવાની અને લગ્ન કરવાની વાત કરી, આરોપી હિશામ પોતાનો અસલી ચહેરો બતાવી તેને નિરાધાર હાલતમાં તરછોડીને ફરાર થઈ ગયો હતો.
પુણા પોલીસે આરોપીને જેલભેગો કર્યો
પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અને અન્યાય સામે લડવા યુવતીએ સુરત પરત આવી પુણા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે કેરલમના યુવક હિશામ મુનીરની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


