Anurag Kashyap Legal Trouble In Surat Court: બોલિવૂડ જાણીતા ફિલ્મમેકર અને દિગ્દર્શક અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં મુકાયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર બ્રહ્મસમાજ વિરુદ્ધ વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે સુરતની કોર્ટે તેની સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી ફિલ્મમેકર વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની પ્રોસેસ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો છે.
કોર્ટે આ કલમો હેઠળ ગુનો નોંધવા કર્યો હુકમ
સુરત કોર્ટમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) (મ્યુનિસિપલ) અક્ષયકુમાર એસ. જાનીએ સમગ્ર મામલાની કાયદેસરની તપાસ હાથ ધરી હતી. કોર્ટે રેકોર્ડ પરના પુરાવા અને કાનૂની પાસાંઓને ધ્યાને રાખીને અનુરાગ કશ્યપ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 196 (કોમી વૈમનસ્ય કે દુશ્મનાવટ ફેલાવવી), કલમ 352 (શાંતિ ભંગ કરવાના ઈરાદાથી ઇરાદાપૂર્વક અપમાન કરવું) અને કલમ 353(2) (જાહેર શાંતિ જોખમાય તેવા નિવેદનો કે અફવાઓ ફેલાવવી) મુજબની કલમો હેઠળ કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
ફરિયાદમાં જણાવ્યાનુસાર, 16 એપ્રિલ 2025ના રોજ એક હિન્દી ફિલ્મના ટ્રેલર રીલિઝ બાદ બ્રહ્મસમાજના લોકોએ ફિલ્મના કેટલાક દ્રશ્યો કે ભાગો સામે વાંધો ઉઠાવી દેખાવો કર્યો હતો. આ વિરોધના પ્રત્યાઘાત રૂપે ફિલ્મમેકર અનુરાગ કશ્યપે પોતાના સત્તાવાર 'X' હેન્ડલ પરથી સમગ્ર બ્રહ્મસમાજને લાંછન લાગે અને સમાજમાં કોમી શાંતિ જોખમાય તેવી એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર આ પોસ્ટનો વિરોધ કરનારા યુઝર્સને ગાળો ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો છે. આ બાબતે સુરતના સામાજિક કાર્યકર કમલેશ રાવલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
માફી માગ્યા બાદ પણ નોટિસ બજવણી છતાં હાજર ન થયા
વિવાદ વકર્યા બાદ ફિલ્મમેકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લીધી હતી. જોકે, આ દરમિયાન ફરિયાદી કમલેશ રાવલ દ્વારા ઇમેઇલ મારફતે કાનૂની નોટિસ મોકલવામાં આવી હોવા છતાં અનુરાગ કશ્યપ હાજર થયા નહોતા કે કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નહોતો.
અંતે, સુરત કોર્ટે ફરિયાદીનું સત્તાવાર વેરિફિકેશન (નિવેદન) લીધા બાદ અને રજૂ કરાયેલા તમામ ડિજિટલ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને દિગ્દર્શક સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની સમન્સ અને વોરંટની પ્રક્રિયા (પ્રોસેસ ઈસ્યુ) હાથ ધરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને પગલે બોલિવૂડ જગતમાં પણ ભારે ચર્ચા જાગી છે.


