INDIA CENSUS : 1 જૂનથી શરૂ થનારી 50 દિવસની વસ્તી ગણતરી પહેલા જ સુરતનું તંત્ર ચિંતામાં મુકાયું છે. રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ કામગીરીથી દૂર ભાગી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે અને 190 કર્મચારીઓએ તો કામ નહીં કરીએનું જ વલણ અપનાવ્યું છે.
ડિજીટલ વસ્તી ગણતરીમાં છટકવાની 'ગણતરી'!
દેશની સૌથી મોટી વહીવટી પ્રક્રિયા ગણાતી ડિજિટલ વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં જ સુરતમાં કર્મચારીઓની અછત તંત્ર માટે મોટો માથાનો દુખાવો બની છે. શહેરમાં અંદાજે 15,800 કર્મચારીઓની જરૂર સામે હજુ 2300 કર્મચારીઓની ઘટ છે, ત્યારે બીજી તરફ ફરજ સોંપાઈ ચૂકી હોય અને તાલીમ લઈ ચૂકેલા 900થી વધુ કર્મચારીઓ કામગીરીમાંથી મુક્તિ માટે અરજી કરી છે. જેમાં 190 જેટલા કર્મચારીઓ એવા હોવાનું સામે આવ્યું છે કે, જે કોઈપણ સંજોગોમાં વસ્તી ગણતરીની કામગીરી કરવા જ નથી માંગતા અને નાના-મોટા બહાના બતાવી ફરજ માંથી છૂટવા પ્રયાસ કરી રહ્યા છે. રાષ્ટ્રીયકૃત બેંકોના કેટલાક કર્મચારીઓ પણ કામગીરીથી દૂર ભાગી રહ્યા હોવાની ફરિયાદ બહાર આવી છે. તેથી હવે બહાના કાઢી કામગીરી ન કરનારા કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરવાની તૈયારી પણ શરુ થઈ ગઈ છે.
2300 કર્મચારીઓની ઘટ, 900ને કામ નથી કરવું!
સુરત શહેરમાં છેલ્લા બે દાયકામાં વસ્તી ઝડપથી વધી છે અને હવે સંભવિત 85 લાખની નજીક પહોંચી રહેલી વસ્તી વચ્ચે વર્ષ 2027ની ડિજિટલ વસ્તી ગણતરી તંત્ર માટે સૌથી મોટું વહીવટી ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. શહેરની અંદાજે 18 લાખ રહેણાંક અને વ્યાપારી મિલકતોમાં જઈ દરવાજે-દરવાજે સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિથી માહિતી એકત્ર કરવાની કામગીરી 1 જૂનથી શરૂ થશે અને આગામી 50 દિવસ સુધી ચાલશે. આ કામગીરી માટે અગાઉ અંદાજે 10 હજાર કર્મચારીઓને ફરજના ઓર્ડર આપવામાં આવ્યા હતા, પરંતુ વસ્તી અને વિસ્તાર ધ્યાનમાં રાખતા તે સંખ્યા અપૂરતી સાબિત થતાં હવે કુલ 14,800 કર્મચારીઓ તથા 10 ટકા રિઝર્વ સ્ટાફના ઓર્ડર કરવામાં આવ્યા છે. છતાં હજુ 2300 જેટલા કર્મચારીઓની ઘટ યથાવત છે. હાલ આશરે 12 હજાર ગણતરીદાર અને 2 હજાર સુપરવાઈઝરને તાલીમ આપવામાં આવી ચૂકી છે, છતાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ થતો નથી. આ કામગીરી માટે હજુ પણ 2300 જેટલા કર્મચારીઓની ઘટ હોવાથી સરકારના જુદા જુદા વિભાગના કર્મચારીઓને કામગીરી સોંપવા માટે કવાયત શરુ થઈ ગઈ છે.
190 કર્મચારીઓએ બતાવ્યા નાના મોટા કારણ!
એક તરફ ડીજીટલ વસ્તીગણતરી માટે 2300 કર્મચારીઓની ઘટ છે તો બીજી તરફ તંત્ર પાસે 900 અરજી આવી છે, જે કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી કરવામાંથી મુક્તિ જોઈએ છે. તેમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની સંખ્યા વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલાક કર્મચારીઓ આરોગ્ય, પરિવાર અને અન્ય કારણો આપી રહ્યા છે, જ્યારે 190 જેટલા કર્મચારીઓ એવા હોવાનું પણ સામે આવ્યું છે કે જેઓ કોઈપણ રીતે આ કામગીરી કરવા જ નથી માંગતા અને નાના-મોટા કારણો બતાવી મુક્તિ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, માત્ર ગંભીર અને અનિવાર્ય કારણ હોય ત્યારે જ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવશે. સાથે જ રાષ્ટ્રીય કામગીરીથી દૂર રહેવા અથવા ફરજમાં બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
335 દિવ્યાંગ- ગર્ભવતીના ઓર્ડર નિકળ્યા તે કેન્સલ કરાશે
સુરતમાં વસ્તી ગણતરી માટે ઉતાવળમાં એક સાથે ફરજના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા, જેમાં દિવ્યાંગ અને ગર્ભવતી કર્મચારીઓને પણ કામગીરી સોંપી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. સંવેદનશીલ મામલે અનેક ફરિયાદો ઉઠતાં આખરે તંત્રને પોતાની ભૂલ સ્વીકારી ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે.ફરિયાદની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કુલ 335 જેટલા દિવ્યાંગ અને ગર્ભવતી કર્મચારીઓને વસ્તી ગણતરી જેવી મેદાની અને દોડધામભરી કામગીરી માટે નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ મામલો બહાર આવતા કર્મચારી વર્ગમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. હવે તંત્રએ આ 335 કર્મચારીના ઓર્ડર રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, અને તેમની જગ્યાએ નવા કર્મચારીઓને નિમણૂક કરવા કવાયત હાથ ધરી છે.


