Gujarat

સ્વચ્છતામાં સુરત દેશમાં બીજા નંબરે પણ નવી સિવિલમાં સફાઇમાં બેદરકારી

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
સ્વચ્છતામાં સુરત દેશમાં બીજા નંબરે પણ નવી સિવિલમાં સફાઇમાં બેદરકારી

- ગૃહ રાજ્યમંત્રીએ અધિકારીઓને તતડાવ્યા : વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે પાંચ વ્હીલચેર અને બે વોકર અર્પણ કરાયા

સુરત :

વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલમાં સફાઇના મુદ્દે લાલીયાવાડી જોઇને ગૃહ રાજ્યમંત્રીએ અધિકારીઓને તતડાવી નાંખ્યા હતા. આ પહેલા તેમણે પાંચ વ્હીલચેર અને બે વોકર અર્પણ કર્યા હતા.

નવી સિવિલમાં એક કાર્યક્રમમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે દિવ્યાંગ અને જરૃરીયાત મંદ દર્દી તકલીફ ન પડે તે માટે મંત્રીએ સિવિલને પાંચ વ્હિલચેર અને બે વોક્ર, સુરત રેલવે સ્ટેશનને બે વ્હિલચેર અર્પણ કરાયા હતા. આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, નર્સિગ ઓસો.ના ઇકબાલ કડીવાલા, નગરસેવકો, આર.એમ.ઓ ડો. કેતન નાયક, નિલેશ લાઠીયા સહિતના ડોકટર સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉમરગામથી આવેલા ૭૫ વર્ષીય ભોલીબેન સંતરામ યાદવને એક વ્હીલચેર અપાઇ હતી.

 કાર્યક્રમ બાદ મંત્રી અચાનક  ટ્રોમા સેન્ટરમાં  રાઉન્ડ પર ગયા હતા અને દર્દીઓના હાલચાલ પુછયા હતા. ત્યારે ટ્રોમા સેન્ટરના શૌચાલય બહાર લાગેલા સાફ સફાઈના ચાર્ટ પર આજની કોઈ એન્ટ્રી નહોતી તેમજ સ્વચ્છતા પણ નહોતી. તેમજ ટાઇલ્સ તૂટેલી હતી. જેથી મંત્રીએ સિવિલના અધિકારીઓને તતડાવીને તાકીદ સફાઇ કરવા સૂચના આપી હતી. તંત્રએ તાત્કાલિક સફાઇ શરૃ કરી દીધી હતી પણ ત્યાં ચોટાડેલા સફાઇ ચાર્ટ પર શુક્રવારે જ શનિવારે સફાઇ કરી હોવાની નોંધ તારીખ સાથે કરી દીધી હતી. હવે શનિવારે ખરેખર ત્યાં સફાઇ થશે કે નહી તે જોવું રહ્યું.