Gujarat

એક સંતાનની વિધવા માતાના શારિરીક શોષણ કેસમાં સુરતના આમ આદમી પાર્ટી પ્રવકતાની ધરપકડ

By GS TEAM
10 May 20262 mins read
એક સંતાનની વિધવા માતાના શારિરીક શોષણ કેસમાં સુરતના આમ આદમી પાર્ટી પ્રવકતાની ધરપકડ

ફેસબુક પર 18 વર્ષના પુત્રની માતાને કાળુ વઘાસીયાએ પ્રેમજાળમાં ફસાવી હતી : હું 'આપ'માં છું તું મારૂ કઇ બગાડી નહીં શકે એવી ધમકી આપી હતી વાપી, અમદાવાદ, સાળંગપુરમાં છુપાતો ફરતો હતો અને હાઇવે ઉપર ટ્રક ડ્રાઇવર જે હોટલ-ધાબા ઉપર રોકાય ત્યાં રાત રોકાતો હતો : મૂળ જૂના વાઘણીયા, તા.બગસરા, અમરેલીનો શખ્સ ઝડપાયો

સુરત, : સુરતના લસકાણા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય એક સંતાનની વિધવા સાથે ફેસબુક થકી મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શારિરીક શોષણ કર્યા બાદ લગ્નનો ઇન્કાર કરવા ઉપરાંત આપઘાત કરી પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપવાના પ્રકરણમાં છેલ્લા એક મહિનાથી ભાગતા ફરતા આમ આદમી પાર્ટીના સુરતના પ્રવક્તા કાળુ વઘાસીયાની લસકાણા પોલીસે ધરપકડ કરી છે. 

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસના ગણતરીના કલાકો પહેલા સુરતના લસકાણા પોલીસમાં આમ આદમી પાર્ટીના સુરતના પ્રવક્તા કાળુ ચતુરભાઇ વઘાસીયા (ઉ.વ. 38 રહે. શુભમ રો હાઉસ, લસકાણા અને મૂળ. જૂના વાઘણીયા, તા.બગસરા, અમરેલી) વિરૂઘ્ધ તેના જ સમાજની 38 વર્ષીય એક સંતાનની વિધવાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. ડિસેમ્બર 2024માં ફેસબુક થકી મિત્રતા કેળવી કાળુએ મારૂ લગ્ન જીવન ઠીકઠાક ચાલે છે અને પત્નીને છૂટાછેડા આપવાનો છું એમ કહી વિધવાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તેણીના ઘરે અને અલગ-અલગ હોટલમાં લઇ જઇ 2 વર્ષ સુધી શારિરીક શોષણ કર્યુ હતું. જોકે, વિધવાએ લગ્નની વાત કરતા કાળુએ હું આમ આદમી પાર્ટીનો પ્રવકતા અને રાજકીય વ્યક્તિ છું, તું મારૂ કંઇ બગાડી શકે નહીં અને જે રીતે તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો એમ હું પણ મરી જઇશ અને તને તારા પુત્રને પોલીસ કેસમાં ફસાવી દઇશ એવી ધમકી આપી હતી. આ પ્રકરણમાં પોલીસે બાતમીના આધારે કાળુ વઘાસીયાને લસકાણાના ડાયમંડ નગર પાસેથી ઝડપી પાડયો હતો. 

ઉલ્લેખનીય છે કે, ઘરેથી રૂ. 10 હજાર લઇને ભાગી જનાર કાળુ વાપી, સાળંગપુર, અમદાવાદમાં છુપાતો ફરતો હતો અને હાઇવે ઉપર ટ્રક ડ્રાઇવર જયાં રોકાય તે હોટલ કે ધાબામાં રાતે સુઇ જતો હતો.