Gujarat

સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર

By GS TEAM
19 Oct 20251 min read
સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર

વડોદરા : વડોદરા પોલીસે ગુજસીટોક હેઠળ લૂંટ,ચોરી અને વાહનચોરી જેવા સંખ્યાબંધ ગુનાઓ આચરતી સુનિલ પાન ગેંગના  ૯ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ બનાવમાં સંડોવાયેલા રવિસિંગ સરદારને ઝડપી લીધો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવતા ન્યાયાધીશે આરોપીના તા.૨૭મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નવરાત્રિમાં તલવારની અણીએ લૂંટ કરનારી સુનિલ પાન ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ બનાવમાં સંડોવયેલા આરોપી રવિસિંગ તારાસિંગ સરદારને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આરોપી ફુગ્ગા વેંચવાના ઓઠા હેઠળ રેકી કરતો હતો અને ત્યાર બાદ ગુનાને અંજામ આપવામાં આવતો હતો.


આરોપીઓને કલ્લુસિંગ નામનો શખ્સ આશ્રય આપતો હોઇ તેની તપાસ કરવાની છે. આરોપીઓની પૂછપરછમાં બનાવમાં સંડોવાયેલા અન્ય કેટલાક આરોપીઓના નામ ખુલ્યા છે જેને આરોપી જોયે ઓળખે છે એટલે તેને સાથે રાખી તપાસ કરવાની છે. તપાસમાં તમામ આરોપી ચિલમ પીતા હોવાનું અને દારુનું સેવન કરતા હોવાનું પણ જણાયું છે. આરોપીઓએ ચોરીના દાગીના પેટલાદમાં વેચ્યા હોઇ આ દાગીના કોને વેંચવામાં આવ્યાં છે ? તેની તપાસ કરવાની છે. આરોપીને કોની કાયદાકીય સલાહ મળી રહી છે તેની પણ તપાસ કરવાની છે. ન્યાયાધીશે આરોપી રવિસિંગના તા.૨૭મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.