Gujarat

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક

By GS TEAM
11 May 20261 min read
ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક

સતત ત્રીજા દિવસે તાપમાનમાં વધારો, પવનની ગતિ ધીમી પડી

રાત્રિના સમયે બફારા-અકળામણથી નાગરિકો પરેશાન, હજુ ગરમી વધવાની શક્યતા

ભાવનગરભાવનગર જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વધેલા સૂર્યપ્રકોપના કારણે નાગરિકો પરેશાન થઈ ગયા છે. મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રી નજીક પહોંચી જતાં અસહ્ય ગરમી અને બફારા-અકળામણથી લોકો હાશતોબા પોકારી ગયા હતા.

હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ હીટવેવની અપાયેલી આગાહી સાચી ઠરી છે. સપ્તાહના આરંભે જ મહત્તમ તાપમાન ૪૧.૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના કારણે બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો હતો. ઘરની દિવાલોમાંથી ગરમ લૂ ફેંકાતા ગરમી અને લૂથી લોકો હેરાન-પરેશાન થયા હતા. ત્રણ દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીમાં નાના બાળકો અને વયોવૃદ્ધોની હાલત વધુ કફોડી બની છે. ગત સપ્તાહની તુલનામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થયો છે. તો પવનની ગતિ ધીમી પડી જતાં અકળામણનો અનુભવ થઈ રહ્યો છે. હજુ આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. રાત્રિના સમયે પણ ગરમીનું જોર વધતા લઘુતમ તાપમાન ૨૮.૯ ડિગ્રી નોંધાયું હતું. આજે દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૬ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિકલાકની રહી હતી.