Get The App

ખેડા જિલ્લામાં રાંધણ ગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ પણ કોમર્શિયલ ગેસમાં કાપથી વેપારીઓમાં ચિંતા

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં રાંધણ ગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ પણ કોમર્શિયલ ગેસમાં કાપથી વેપારીઓમાં ચિંતા 1 - image

y of cooking gas available in Kheda

ગેસ બુકિંગનું ઓનલાઈન સર્વર ખોરવાતા ગ્રાહકો અટવાયા

ગેસના જથ્થાનું સમાન વિતરણ કરવા અને સંગ્રહખોરી અટકાવવા બે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે હવે ૨૫ દિવસનું અંતર રાખવાનો નિર્ણય લેવાયો

નડિયાદ, આણંદ: ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગેસ બુકિંગની ઓનલાઈન કામગીરીમાં સર્વર ડાઉન થવાની સમસ્યા સર્જાતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નડિયાદ શહેરની મોટાભાગની ગેસ એજન્સીઓમાં ઓનલાઈન પોર્ટલ યોગ્ય રીતે કામ ન કરતું હોવાથી ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આ સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે મહત્વના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે ખેડા જિલ્લા પુરવઠા અધિકારીએ સત્તાવાર નિવેદન આપી જણાવ્યું છે કે, ઓનલાઈન ગેસ બુકિંગમાં ટેક્નિકલ કારણોસર સર્વર ડાઉન થયું છે, જે ટૂંક સમયમાં પૂર્વવત કરી દેવામાં આવશે. જિલ્લામાં ડોમેસ્ટિક ગેસના ૩,૬૩,૮૮૮ ગ્રાહકો નોંધાયેલા છે, જેમના માટે રાંધણ ગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી જનતાએ ગભરાવાની જરૂર નથી. બીજી તરફ, સરકાર દ્વારા કોમશયલ ગેસ સિલિન્ડરના વેચાણમાં અમુક નિયંત્રણો લાદવામાં આવતા અને પુરવઠામાં કાપ મુકાતા હોટલો, રેસ્ટોરન્ટ તેમજ ખાણી-પીણીની લારી ધરાવતા સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ૧૮૫૬ જેટલા કોમશયલ ગેસ ધારકો છે, જેમને હવે નિયત જથ્થા મુજબ જ ગેસ પ્રાપ્ત થશે. જોકે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી સેવાઓ માટે પુરતો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. નવા નિયમ મુજબ હવે ડોમેસ્ટિક ગેસના ગ્રાહકોએ બે બુકિંગ વચ્ચે ફરજિયાત ૨૫ દિવસનું અંતર રાખવું પડશે. આ નિર્ણયનો અમલ શરૂ થતા જે ગ્રાહકો વારંવાર બુકિંગ કરાવતા હતા તેમના પર રોક લાગશે. પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે જેથી ગ્રાહકોને વિતરણ વ્યવસ્થામાં કોઈ મોટી સમસ્યા ન નડે.

- આણંદ જિલ્લા પુરવઠા અધિકારીની ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક

આણંદઃ આણંદ જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને ડીસ્ટ્રીક નોડલ આઈઓસીએલ અને એચપીસીએલ સાથેની એલ.પી.જી. ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરની સુચના અનુસાર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગેસ એજન્સીઓને કોઈ પણ પ્રકારનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી ન થાય તે જોવા સખત તાકીદ કરી છે. જો કોઈ સંગ્રહખોરી કે કાળાબજારી કરતા ઝડપાશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વધુમાં અન્ય સૂચના ન મળે ત્યાં સુધી કોમશયલ સિલિન્ડરના સપ્લાયમાં હોસ્પિટલો અને શાળાઓને પ્રથમ પ્રાથમિકતા આપવા આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લાના રહેણાંક વિસ્તારોમાં પી.એન.જી. કનેક્શન ચાલુ છે, તેવા ગ્રાહકોને હાલની પરિસ્થિતિમાં એલ. પી.જી. બોટલ ન આપવા સૂચના અપાઈ છે. પુરવઠાનું વ્યવસ્થાપન માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)ના બોટલીંગ પ્લાન્ટ સાથે સતત સંપર્કમાં રહીને જિલ્લામાં ગેસનો જથ્થો સમયસર પહોંચતો કરવા સેલ્સ ઓફ્સિરોને જણાવાયું છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જનતાને વિનંતી કરી છે કે, તેઓ કોઈ પણ પ્રકારની અફવા કે ચિંતામાં આવ્યા વગર ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરે.

- સિલિન્ડર બુકિંગના નવા નિયમોની અસર

ડોમેસ્ટિક ગેસ ધારકો માટે હવે રીફિલ બુકિંગ કરાવવાના નિયમોમાં ફેરફાર કરાયો છે. ગ્રાહકે એકવાર બુકિંગ કરાવ્યા બાદ આગામી ૨૫ દિવસ સુધી બીજી વાર બુકિંગ કરાવી શકશે નહીં. આ મર્યાદા નક્કી કરવા પાછળનો હેતુ ગેસના જથ્થાનું સમાન વિતરણ કરવાનો અને સંગ્રહખોરી અટકાવવાનો છે. ગ્રાહકોએ આ નવા બદલાવને અનુરૂપ પોતાના વપરાશનું આયોજન કરવું પડશે.

- કોમર્શિયલ સેક્ટરમાં ઊભું થયેલું સંકટ

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વિતરણમાં નિયંત્રણો આવતા સીધી અસર બજારમાં ખાણી-પીણીના ભાવ અને ઉપલબ્ધતા પર પડી શકે છે. હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો દ્વારા ગેસના જથ્થા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા માત્ર આવશ્યક સેવાઓને પ્રાધાન્ય આપી અન્ય વ્યાપારિક એકમો માટે જથ્થો મર્યાદિત કરવામાં આવ્યો હોવાનું જણાય છે.