Gujarat

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે

By GS TEAM
17 Jun 20262 mins read
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું છમકલું થયું હતું.એ પછી હવે હોસ્ટેલ સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષથી હોસ્ટેલના રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રિકલ ઉપકરણો રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

સૂત્રોએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટેના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.જેના ભાગરુપે હવે વિદ્યાર્થીઓ હીટર, ઈન્ડક્શન, પાણી ગરમ કરવા માટેની કેટલ જેવા ઉપકરણો રાખી નહીં શકે.જો  કોઈ વિદ્યાર્થી માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ ઈલેક્ટ્રિકલ ઉપકરણ રાખવું જરુરી હશે તો તેણે ડોકટરની પરવાનગી પૂરાવા તરીકે રજૂ કરવી પડશે. સત્તાધીશોની મંજૂરી વગર ઈલેક્ટ્રિકલ ઉપકરણો રાખનારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થશે અને જો આગ લાગવાની ઘટના બનશે તો નુકસાન પણ વિદ્યાર્થીઓએ ભરપાઈ કરવાનું રહેશે.અગાઉ ઉપકરણો રાખનારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થતી નહોતી પણ હવે કોઈ પણ પ્રકારની ચૂક ચલાવી લેવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે, ગત શૈક્ષણિક વર્ષમાં બોયઝ હોસ્ટેલ કેમ્પસના એમ એમ હોલમાંથી દારુની ખાલી બોટલો પણ મળી હતી.હવે નવા નિયમ પ્રમાણે ખાલી બોટલો પણ જે રુમમાંથી મળી આવશે તે રુમમાં રહેનારા વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરવામાં આવશે.

નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના માતા પિતા પાસેથી હવે નવા નિયમોનું પાલન કરવા માટેની લેખિત ખાતરી પણ લેવામાં આવશે.

વિદ્યાર્થીઓએ કયા નિયમોનું પાલન કરવાનું રહેશે

--ફેન્સિંગ કે દીવાલ કૂદીને હોસ્ટેલ કેમ્પસની બહાર નહીં જઈ શકાય

--હોસ્ટેલના રુમમાં કોઈ પણ પ્રકારના પોસ્ટરો લગાવવાની મનાઈ

--રુમમાં હથિયાર રાખનારા વિદ્યાર્થીનો પ્રવેશ તાત્કાલિક રદ કરાશે

--રુમમાંથી નશાકારક પદાર્થ કે દારુ, સિગારેટ પકડાશે તો રુમમાં રહેનારા તમામ વિદ્યાર્થીઓની હકાલપટ્ટી થશે, 

--રુમમાં જોર જોરથી  મ્યુઝિક વગાડી નહીં શકાય