ભાવનગર ડિવિઝનનું સ્ટેટ જીએસટી કલેક્શન રૂા. 2406.31 કરોડ થયું

- ગઈ દિવાળીથી આ દિવાળીના એક વર્ષના સમયગાળામાં
- સૌથી વધારે એપ્રીલ-૨૦૨૫માં અને સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૫માં કલેક્શન, પરમિટવાળા દારૂ અને પેટ્રોલ-ડિઝલના વેચાણ પર રૂા. 56 કરોડની આવક
સ્ટેટ જીએસટી ભાવનગર ડિવિઝનના ટેક્સ કલેક્શનના આંકડાઓ પ્રમાણે ગઈ દિવાળીથી આ દિવાળીના એટલે કે ઓક્ટોબર-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૫ના સમયગાળા દરમિયાનના એક વર્ષના સમયગાળામાં સરકારે કુલ રૂ.૨૪૦૬.૩૧ કરોડની આવક કરી છે. ભાવનગર ડિવિઝનમાં ભાવનગર ઉપરાંત અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે એપ્રીલ-૨૦૨૫માં રૂ.૨૬૩.૦૫ કરોડનું અને સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૫માં ૧૬૮.૪૧ કરોડ થયું છે. સામાન્ય રીતે ભાવનગરમાં છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી સ્ટેટ જીએસટી કલેક્શન રૂ.૨ હજાર કરોડને પાર રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા જીએસટી દરોમાં કરવામાં આવેલા ઘટાડાના કારણે આગામી મહિનાઓમાં કલેક્શનનો આંકડો ઘડવાની સંભાવના જોવામાં આવી રહી છે. જીએસટી ઉપરાંત હાલ પરમિટવાળા દારૂ અને પેટ્રોલ-ડિઝલના વેચાણ પર કર સ્વરૂપે વેટ વસૂલવામાં આવે છે. ત્યારે આ સમયગાળા દરમિયાન પરમિટવાળા દારૂ અને પેટ્રોલ-ડિઝલના વેચાણ પર કુલ રૂ.૫૬.૧૯ કરોડની સરકારને આવકને થઈ છે. આમ, દર મહિને સરકારે વેટ સ્વરૂપે સરેરાશ ચાર કરોડની કમાણી કરી છે.









