Gujarat

નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ

By GS TEAM
3 Mar 20262 mins read
નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના  આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદ,સોમવાર

બેંગકોકમાં ઉંચા પગારની નોકરીની ખાતરી આપીને મ્યાંનમાર, કમ્બોડિયા અને લાઓસ જેવા દેશોમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં કામ કરાવીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોટાપ્રમાણમાં સાયબર ક્રાઇમ આચરતી ગેંગ વિરૂદ્ધ સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. જેમાં ખુબ મોટાપ્રમાણમાં ગુજરાતીઓને નોકરીના નામે બોલાવીને ફસાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જે અંગે વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

બેંગકોકમાં નોકરીના નામે બોલાવીને મ્યાંનમાર, કમ્બોડિયામાં લઇને ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગુજરાતી વ્યક્તિઓની સંડોવણી અંગે સ્ટેટ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી છે. જે મુજબ કેન્દ્ર સરકાર ગુજરાત પોલીસને શકમંદોની વિગતો આપે છે. જે વિદેશમાં નોકરીના નામે કામ કરવા માટે ગયા હોય અને પરત આવ્યા હોય તેવા લોકોની માહિતીના આધારે તપાસ કરવામાં આવે છે. પોલીસને આ અનુસંધાનમાં કૌશિક પેથાણી (રહે.સાઇમિલન રેસીડેન્સી, મોટા વરાછા, સુરત), ધુ્રવ ડોબરીયા (રહે.એચઆરપી બંગ્લોઝ, કામરેજ), ચેતન સોની, મનીષ ભાનુસાલીની વિગતો મળી હતી.

પોલીસે ધુ્રવ ડોબરિયાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ધુ્રવને તેના બનેવી મારફતે કૌશિક પેથાણીનો સંપર્ક થયો હતો. ધુ્રવને નોકરીની જરૂર હોવાથી તે કૌશિકની મદદથી બેંગકોક ગયો હતો. જ્યાં કૌશિક પેથાણી તેને મ્યાંનમાર લઇ ગયો હતો અને ચાઇનીઝ ગેંગના કેટલાંક સભ્યો સાથે ઓળખાણ કરાવી હતી. તેમણે ધુ્રવને તાલીમી આપીને ફેસબુક પર છોકરીના નામે ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલીને લલચાવીને વિશ્વાસમાં લઇને વોટ્સએપ નંબર મેળવીને તેની સાથે વાત કરીને નાણાં પડાવવામાં આવતા હતા. આ કામમાં ફાવટ આવ્યા બાદ ચાઇનીઝ ગેંગ દ્વારા તેેને લાઓસ અને કમ્બોડિયાના કોલ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેનોે ટીમ લીડર બનાવીને તેના હાથ નીચે ૨૦ લોકોની ટીમ બનાવીને સાયબર ક્રાઇમ કરાવીને ભારતમાંથી નાણાં પડાવવાની કામગીરી કરવામાં આવતી હતી. જેના બદલામાં તેને મળતી રકમના છ ટકા અને પગાર પણ આપવામાં આવતો હતો. તેણે ગુજરાતમાંથી વધુ બે લોકોને નોકરીના નામે બોલાવ્યા હતા. પરંતુ, તેમને અંગ્રેજીમાં ફાવટ ન હોવાથી કામગીરી સોંપાઇ નહોતી.લાઓસમાં તેને  એક  વ્યક્તિ સાથે નાણાંકીય બાબતે તકરાર થતા તે તેનો પાસપોર્ટ લઇને ગુજરાત આવી ગયો હતો. જ્યારે કૌૈશિક પેથાણી હાલ મ્યાંનમારમાં હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.