- પૂરતો ટ્રાફિક અને આવક ધરાવતી હોવા છતાં તંત્રની આડોડાઈ
- મહુવા તાલુકાના વધુ વસ્તી ધરાવતા મોટા ખુટવડાને વધુ ટ્રીપ આપવાને બદલે હયાત સુવિધા છીનવી લેવાઈ
મહુવા તાલુકાના મોટા ખુટવડામાં એસ.બી.આઈ., ડ્રિસ્ટ્રિકટ કો ઓપરેટીવ બેન્ક,૩ સરકારી શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પી.જી.વી.સી.એલ., જેટકો, પોલીસ મથક, ફોરેસ્ટ ઓફિસરની કચેરી તેમજ પૂ.નેપાળીબાપુનો સિધ્ધ ગણેશ આશ્રમ વગેરેે આવેલ છે. સ્થાનિક સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા મોટા ભાગના કર્મચારીઓ, ભાવનગર શહેરમાંથી ઉપરાંત આજુબાજુના ગામોમાંથી અપડાઉન કરે છે.એટલુ જ નહિ આ પંથકના વેપારીઓને હટાણા માટે, શાળા કોલેજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસક્રમ માટે તાલુકા અને જિલ્લા મથકે જવા આવવા માટે વધુ ટ્રીપની અત્યંત આવશ્યકતા હોવા છતા તંત્રએ વધુ ટ્રીપ આપવાના બદલે સત્તાધીશો દ્વારા ભાવનગરથી સાંજે ઉપડતી મોટા ખુટવડા રૂટની આર્શિવાદરૂપ એસ.ટી. બસ બંધ કરાઈ હતી.જે ગામમાં નાઈટ હોલ્ટ કરી કીકરીયા, દુધાળા, ભાદરા, નાના જાદરા, તાવેડા, નેસવડ અને મહુવા થઈ ભાવનગર જતી હતી.આ બસના અભાવે મુસાફરોને મને કમને ખાનગી વાહનોનો ઉંચા ભાડા દઈને સહારો લેવાનો વખત આવ્યો છે. આથી સત્તાધીશો દ્વારા વધુ ટ્રીપ ફાળવવામાં આવે તેવી ગ્રામ્ય આગેવાનોના પ્રતિનિધિમંડળ દ્વારા એસ.ટી.ના ડીવિઝનલ ઓફિસરને આવેદનપત્ર પાઠવી માંગ કરાઈ હતી.


