Get The App

10 કરોડની લોન આપવાનું કહી 31 લાખ પડાવાના બનાવમાં ફાઇનાન્સ કંપનીની મહિલા ડાયરેક્ટરનો પુત્ર પકડાયો

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
10 કરોડની લોન આપવાનું કહી 31 લાખ પડાવાના બનાવમાં ફાઇનાન્સ કંપનીની મહિલા ડાયરેક્ટરનો પુત્ર પકડાયો 1 - image

વડોદરાઃ કર્ણાટકના વેપારીને સસ્તુ સોનું ખરીદવા માટે લોન અપાવવાના નામે ૩૧ લાખ પડાવી લેવાના ગુનામાં ફાઇનાન્સ કંપનીની મહિલા ડાયરેક્ટર બાદ તેના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે.

કર્ણાટકના વેપારી મંજુ આર.ને વડોદરામાં સસ્તુ સોનું અપાવવા માટે બોલાવ્યા બાદ સોનું ખરીદવા માટે ૧૦ કરોડની લોન અપાવવા માટે મુજમહુડાના સિગ્નેટ હબ ખાતે આવેલી સહયોગ ફાઇનાન્સ સર્વિસના સંચાલકોએ રૃ.૩૧ લાખ પડાવી લીધા હતા.ત્યારબાદ ઇલિયાસ ઉર્ફે રાજવીર નામના સૂત્રધાર સહિતની ટોળકીએ પણ વેપારી પાસે રૃ.૪.૬૧ કરોડ પડાવી લીધા હતા.

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવેરે આ બનાવમાં ફાઇનાન્સ કંપનીની ડાયરેક્ટર નયના મનહરસિંહ મહિડા(દિપ દર્શન-૨, નારાયણ વાડી,ગોત્રી રોડ)ની ધરપકડ કરી હતી.તપાસ દરમિયાન તેના પુત્ર આકાશની પણ સંડોવણી ખૂલી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં આકાશ મહિડાને પણ ઝડપી પાડી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પીઆઇએ કહ્યું હતું કે,આકાશના ખાતામાં પણ વેપારીના કમિશનની રકમ જમા થઇ હતી.આ ઉપરાંત બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં પણ તેની સંડોવણી હોવાનું જણાઇ રહ્યું છે.જેથી તે દિશામાં તેની તપાસ કરવામાં આવી રહી છે.

 આકાશની 4 ગુનામાં સંડોવણીઃમુંબઇના વેપારીને ૩૦૦ કરોડની લોન આપવાનું કહી ૨૨લાખ પડાવ્યા હતા

લોન અપાવવાના નામે ઠગાઇના કૌભાંડમાં પકડાયેલા આકાશની બીજા ત્રણ ગુનામાં પણ સંડોવણી જણાઇ આવતાં તપાસ શરૃ કરાઇ છે.

પોલીસના કહ્યા પ્રમાણે,મુંબઇના વેપારી નરેન્દ્ર શાહને ફેક્ટરી માટે રૃ.૩૦૦ કરોડની લોન અપાવવાના નામે નયના મહિડા અને સાગરીતોએ રૃ.૨૫ લાખ પડાવી ૨.૫૦ લાખ પરત કર્યા હતા.જેથી ક્રાઇમ બ્રાન્ચમાં ડિસેમ્બર-૨૦૨૫માં નયના મહિડા અને આકાશ સામે ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત ગોરવા પોલીસ સ્ટેશનમાં પણ લોન આપવાના નામે કેટલાક લોકો પાસેથી રૃપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી.જેમાં આકાશની સંડોવણીની તપાસ કરાઇ રહી છે.જ્યારે,જેપી રોડ પોલીસમાં દાહોદના મેહુલ પંચાલે રૃ.૫૦ લાખની લોન માટે રૃ.૨૦ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી અને તેમાં પણ આકાશનું નામ ખુલ્યું હતું.

સસ્તા સોનાના સૂત્રધાર ઇલિયાસ અને વિશાલનો પત્તો નથી

કર્ણાટકના વેપારીને સસ્તુ સોનું અને તેના માટે લોન અપાવવા માટે વિશાલ,નયના અને ઇલિયાસ સહિતના લોકોએ ફસાવી રૃ.૪.૯૨ કરોડ પડાવી લીધા હતા.જે ગુનામાં નયના અને તેના પુત્ર આકાશ સહિતના આરોપી પકડાયા છે.પરંતુ સસ્તા સોનાના કેસનો સૂત્રધાર ઇલિયાસ અને લોન કૌભાંડનો સૂત્રધાર વિશાલ હજી હાથ લાગ્યા નથી.