Gujarat

પત્ની, બાળકો સાથે સતત ઝગડા કરતા હોવાથી સાસુની હત્યા જમાઇએ કર્યાનું ખુલ્યું

By GS TEAM
18 Oct 20252 mins read
પત્ની, બાળકો સાથે સતત ઝગડા કરતા હોવાથી સાસુની હત્યા જમાઇએ કર્યાનું ખુલ્યું

મોરબીના આંદરાણા પાસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

જમાઇએ બે મિત્રો સાથે મળી સાસુનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ લાશને કોથળામાં નાખી પેટ્રોલ છાંટી સળગાવી દીધી

મોરબી: મોરબીના આંદરણા ગામ નજીક અજાણી મહિલાનો મૃતદેહ સળગાવી દીધેલ. હાલતમાં મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ ચલાવી હતી. જે હત્યાનો ભેદ ઉકેલી એલસીબી ટીમે એક આરોપીને ઝડપી લીધો છે. અવારનવાર ઝઘડાથી કંટાળી ગયેલ જમાઈએ સાસુની હત્યા કર્યાનો ખુલાસો થવા પામ્યો છે. એલસીબી ટીમે આરોપી જમાઈને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના આંદરણા ગામની સીમમાં ગત તા. ૧૩ ના રોજ અજાણી સ્ત્રીનો સળગેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ ટીમ તેમજ મોરબી એલસીબી ટીમે તપાસ ચલાવી હતી. માળિયા હાઈવે રોડથી પીપળી ગામ જવાના રોડ પર પાણીના સંપ પાસે પહોંચતા ખાનગી બાતમી મળી હતી કે બાઈક લઈને એક શખ્સ નીકળવાનો છે. જે ગુનામાં સંડોવાયેલ છે. જેથી બાઈક સવાર શખ્સને ઝડપી લઈને પૂછપરછ કરતા તેણે પીપળી ગામ પાસે શિવ પાર્કમાં બે પુત્ર અને પત્ની તેમજ સાસુ સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું. તથા પોતાનું નામ નાનેશ્વર પંડેરી પવાર હોવાનું જણાવ્યું હતું. અને મૃતક પોતાના સાસુ હોવાનું તથા પોતે જ પોતાના સાસુની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

તેણે કબૂલાત કરી હતી કે સાસુ વગર વાંકે પત્ની અને બંને બાળકો સાથે અવારનવાર નાની બાબતોમાં ઝઘડો તકરાર કરતા હતા અને જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા હતા. જેથી કંટાળી ગયો હતો. પત્ની અને મોટો પુત્ર વતનમાં જતા ગળેટુંપો દઈને મારી નાખી નાખવાનો પ્લાન બનાવી આરોપી તથા મિત્ર રાહુલ  અને રાહુલના મિત્ર ત્રણેયે મોડી રાત્રીના સાસુ સુતા હતા. અને નાનો દીકરો તેની રૂમમાં સુતો હતો. ત્યારે સાસુના પગ પકડી રાહુલે મોઢું દબાવી તેમજ રાહુલના મિત્રએ ગળેટુંપો દઈને મોત નીપજાવી કોથળામાં મૃતદેહ રાખી મિત્રના બાઈક પર લઇ જઈને આંદરણા અને માંડલ ગામ વચ્ચે પેટ્રોલ છાંટી સળગાવી દઈને નાસી ગયા હતા. 

જેથી એલસીબી ટીમે આરોપી નાનેશ્વર પંડેરી પવાર (ઉ.વ.૪૧, રહે. હાલ પીપળી તા. મોરબી મૂળ રહે મહારાષ્ટ્ર)ને ઝડપી લઈને બાઈક, મોબાઈલ જપ્ત કર્યા છે. અન્ય આરોપી રાજસ્થાનનો રાહુલ ડામોર અને રાહુલનો મિત્ર એમ બે આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.