Get The App

યુનિ.ના કોમ્પ્યુટરો માટે સોફટવેર લાઈસન્સ સત્તાધીશોએ રિન્યૂ ના કર્યું

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
યુનિ.ના કોમ્પ્યુટરો માટે સોફટવેર લાઈસન્સ સત્તાધીશોએ રિન્યૂ ના કર્યું 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોની સોફટવેરનું લાઈસન્સ રિન્યૂ કરવામાં આળસના કારણે હવે યુનિવર્સિટીની વહીવટી કામગીરી પર ગંભીર અસર પડે તેવી શક્યતા છે.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં  વસાવવામાં આવેલા કોમ્પ્યુટરો માટે માઈક્રોસોફટનું સોફટવેર પેકેજનું કેમ્પસ લાઈસન્સ એક વર્ષ પહેલા યુનિવર્સિટીને ફ્રીમાં મળ્યું હતું.સૂત્રોનું કહેવું છે કે, તેની એક વર્ષની સમય મર્યાદા પૂરી થયા બાદ આ પેકેજનું લાઈસન્સ લગભગ એક કરોડ રુપિયામાં ખરીદવાનું થાય છે.સમય મર્યાદા પૂરી થવાના દોઢ મહિના પહેલાથી કોમ્પ્યુટર સેન્ટરને કંપની દ્વારા રિમાન્ડર મોકલવામાં આવતા હતા.જોકે લાઈસન્સ ખરીદીનો પ્રસ્તાવ કોમ્પ્યુટર સેન્ટર અને યુનિવર્સિટી હેડ ઓફિસ વચ્ચે દોઢ મહિનાથી અટવાઈ રહ્યો હતો અને કોઈ નિર્ણય લેવાયો નહોતો.જેના કારણે સોફટવેર પેકેજના કેમ્પસ લાઈસન્સની મુદત આજે પૂરી થઈ ગઈ હતી.

હવે યુનિવર્સિટીની વહીવટી અને એડમિશનની કામગીરી પર પણ અસર પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.એક  ફેકલ્ટી ડીને નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, એક કરોડ રુપિયા ઘણી વધારે રકમ કહી શકાય પણ તેના વિકલ્પ  સ્વરુપે યુનિવર્સિટીના જેટલા પણ કોમ્પ્યુટર છે તેના અલગ-અલગ લાઈસન્સ સોફટવેર ખરીદી શકાય તેમ છે અને તે સસ્તું પડે તેમ છે.સવાલ સત્તાધીશો દ્વારા નિર્ણય લેવાનો છે.