Get The App

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયોજન

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયોજન 1 - image

જામનગરમાં લીમડાલેન સ્થિત આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં અંતેવાસી માતાઓને તથા શ્રીરામ મૂકબધિર વિદ્યા વિહાર ટ્રસ્ટની વિદ્યાર્થીનીઓને ભેટથી સન્માનિત કરવાનો સેવાકીય ઉમદા પ્રયાસ 8- ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા કરવામાં આવ્યો હતો.

શ્રી આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા માર્ગદર્શનમાં 8- ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગર દ્વારા 

શ્રી આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમના અંતેવાસી માતાઓને સાડી તથા શ્રીરામ વિહાર ટ્રસ્ટની મૂકબધિર બાળાઓને ચણિયાચોળી ની ભેટથી કમાન્ડિંગ ઓફિસર, કમાન્ડર સ્નેહા રાય તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિરના નેવલ કેડેટ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

કમાન્ડર સ્નેહારાય એ જણાવ્યું હતું કે, 'આજની આ હૃદયસ્પર્શી મુલાકાતમાં અંતેવાસી વૃદ્ધ માતાઓના અમને જે આશીર્વાદ મળ્યા છે તથા મૂક બધિર બાળાઓને સન્માનિત કરવાનો જે અવસર મળ્યો છે તે ખુશી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિથી એનસીસી કેડેટ્સમાં સામાજિક સેવાની ભાવના ઉજાગર થાય છે. ભારતીય સેના બોર્ડરને સુરક્ષિત કરી રહી છે તે જ પ્રકારે

દેશની આંતરિક વ્યવસ્થા પણ સુચારુ બની રહે તે માટે આ પ્રકારની સેવાકીય સંસ્થા જે રીતે નિરાધાર વૃદ્ધો અને બાળકો તથા મૂકબધિર બાળકો માટે આવશ્યક તમામ વ્યવસ્થા તેમજ લોકોપયોગી રાહતદરની મેડિકલક્ષેત્રની જે સેવાઓ કરી રહી છે, તે અત્યંત મહત્વનું કાર્ય છે. જે રાષ્ટ્ર સેવાનો ભગીરથ પ્રયાસ છે.'

શ્રી આણદાબાવા સંસ્થાના ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, સંસ્થા 330 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહી છે. જેમાં છેલ્લા 60 વર્ષથી અસહાય નિરાધાર વૃદ્ધ મહિલાઓ તથા ૩૫ વર્ષથી મૂકબધિર બાળકો માટે આવશ્યક એવી તમામ સેવાઓ વિનામૂલ્યે કરી રહી છે. તેમજ જાહેર જનતા માટે રાહત દરની મેડિકલ સેવાઓ ઉપલબ્ધ પણ ચાલી રહી છે. 

એનસીસી નેવલ યુનિટના ઓફિસર્સ તથા કેડેટ્સ દ્વારા અંતેવાસી વૃદ્ધ મહિલાઓ તથા મૂકબધીર બાળાઓને સન્માનિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

નેવલ એનસીસીનાં ઓફિસર્સ તથા પીઆઈ સ્ટાફને આશીર્વાદ આપતા અંતેવાસી વૃધ્ધ મહિલાઓએ જણાવ્યું હતું કે, 'દેશની સેવા કરતા સેનાનીઓ આજે અમારે આંગણે આવી અમને સન્માનિત કર્યા,યાદ કર્યા , અમારી સાથે વાતો કરી તેનાથી અમને ખૂબ જ ગર્વની અને ખુશીની લાગણી થઈ છે. જાણે ભગવાને વિશેષ ખુશ થઈને અમને આજના દિવસે તમને મળાવ્યા હોય તેવું અનુભવી રહ્યા છીએ.'

આ સેવાકીય કાર્યક્રમમાં 8- ગુજરાત નેવલ યુનિટ એનસીસીનાં કમાંડીંગ ઓફિસર, એસોસીએટ એનસીસી ઓફિસર, પીઆઈ સ્ટાફ, કેર ટેકર ઓફિસર તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિરનાં કેડેટસની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.