Gujarat

વેસુમાં સ્નેચરોનો આંતક, આધેડ મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ફરાર

By GS Team
1 Mar 20221 min read
This article was originally published on 1 Mar 2022
વેસુમાં સ્નેચરોનો આંતક, આધેડ મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ફરાર

- સ્નેચરના હાથમાં અડધી ચેઇન આવી, મહિલાએ બુમાબુમ કરતા હાથમાં આવેલી અડધી ચેઇન લઇ ભાગી ગયો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર

વેસુ સ્થિત સી.બી. પટેલ રોડ પર મંગલમ હાઇટ્સની સામેથી પસાર થઇ રહેલા આધેડ મહિલાને સ્નેચરે નિશાન બનાવ્યા હતા. પરંતુ સ્નેચરના હાથમાં સોનાની અંદાજે રૂ. 65 હજારની અડધી જ ચેઇન હાથમાં આવી હતી.

વેસુ સ્થિત સી.બી. પટેલ રોડ પર રાજહંસ સિનેફોનીયો કોમ્પ્લેક્ષમાં ફ્લેટ નં. 1305 માં રહેતા મનિષા ભીખન ચૌધરી (ઉ.વ. 55) ગત સાંજે ઘર નજીક મંગલમ હાઇટ્સની સામે મહાદેવજીના મંદિરે પગપાળા જવા નીકળ્યા હતા. મનિષાબેન મંગલમ હાઇટ્સ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક પર સ્નેચર ઘસી આવ્યો હતો અને ગળામાંથી સોનાની ચેઇન ખેંચી હતી. પરંતુ ચેઇન અડધી જ તૂટી હતી અને અડધી ચેઇન સ્નેચર આંચકીને ભાગી ગયો હતો. જેને પગલે મનિષાબેને બુમાબુમ કરી હતી. પરંતુ બાઇક પુર ઝડપે હંકારી સ્નેચર ભાગી ગયો હતો. ઘટના અંગે મનિષાબેને ઉમરા પોલીસ સ્ટેશનમાં સોનાની અડધી ચેઇન કિંમત રૂ. 65 હજારની સ્નેચીંગ અંગેની ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ગત રોજ વેસુ વીઆઇપી રોડ પર રાત્રે સવા અગિયાર વાગ્યે યુવતીનો મોબાઇલ સ્નેચીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ મોબાઇલ ફીટ પકડી રાખ્યો હોવાથી સ્નેચરને સફળતા મળી ન હતી.